stock Market Updates: લોકસભા ચૂંટણીના બિનઅપેક્ષિત પરિણામોના પગલે શેરબજારમાં એક દિવસમાં નોંધાયેલ ધોવાણ રિકવર થઈ રહ્યું છે. 4 જૂને સેન્સેક્સમાં 4389 પોઈન્ટના કડાકા બાદ છેલ્લા બે દિવસમાં સેન્સેક્સ 2995.46 પોઈન્ટ સુધર્યો છે. રોકાણકારોની મૂડી પણ રૂ. 21.12 લાખ કરોડ વધી છે.
ચૂંટણીના પરિણામોના દિવસે મંગળવારે આવેલી સુનામીના બીજા દિવસે બુધવારે શેરબજારમાં તોફાની ઉછાળો જોવા મળ્યો હતો. પરિણામના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં ઝડપી રિકવરી જોવા મળી હતી. બુધવારે મળેલી એનડીએની બેઠકમાં સરકારને લીલી ઝંડી મળતા તેની અસર ગુરુવારે પણ શેરબજારમાં જોવા મળી હતી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ફરી એકવાર લગભગ 700 પોઈન્ટના તોફાની ઉછાળા સાથે 75,000ને પાર કરી ગયો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 પણ 150થી વધુ પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે ખુલ્યો છે. મોદી સરકાર રચાવાની ખાતરીના ટ્રીગરે શેરબજારમાં ફરી જોરદાર તેજીનો માહોલ જામ્યો છે.
સેન્સેક્સ 75 હજારને પાર ખૂલ્યો
શેરબજારમાં સવારે 9.15 કલાકે લીલા નિશાન પર ટ્રેડિંગ શરૂ થયું હતું. BSE સેન્સેક્સ 696 પોઈન્ટના ઉછાળા સાથે 75,078 પર ખુલ્યો હતો, જ્યારે NSE નિફ્ટી પણ સેન્સેક્સની ગતિ જાળવી રાખીને 178 પોઈન્ટના વધારા સાથે 22,798 પર ખુલ્યો હતો. જ્યારે બજાર ખુલ્યું ત્યારે BSEના 30માંથી 8 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે 22 શેરમાં વધારો જોવા મળ્યો હતો. NTPC શેર સૌથી વધુ ઉછળ્યો હતો અને શરૂઆતના વેપારમાં 3.72 ટકાના ઉછાળા સાથે રૂ. 353.65 પર ટ્રેડ કરી રહ્યો હતો
સેન્સેક્સ પેકના આ શેરોમાં સુધારો
સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી 23 શેરોમાં 4 ટકા સુધીનો સુધારો નોંધાયો છે. જ્યારે સાત શેરો 2 ટકા સુધી તૂટ્યા હતા. ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્., એસબીઆઈ, ઈન્ફોસિસ, એનટીપીસી ટોપ ગેનર્સ જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર, એશિયન પેઈન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, નેસ્લે, ઈન્ડસઈન્ડ બેન્ક ટોપ લૂઝર્સ રહ્યા હતા.
સ્મોલકેપ-મીડકેપમાં 4 ટકા સુધી ઉછાળો
શેરબજારમાં આજે સતત બીજા દિવસે સાર્વત્રિક સુધારો જોવા મળ્યો છે. જેમાં સ્મોલકેપ 3.26 ટકા અને મીડકેપ 2.28 ટકા ઉછાળ્યો છે. તદુપરાંત મેટલ્સ, પાવર, એનર્જી, કેપિટલ ગુડ્સ, રિયાલ્ટી ઈન્ડેક્સમાં પણ 3થી 4 ટકાનો ઉછાળો નોંધાયો છે. સ્મોલકેપ ઈન્ડેક્સમાં ઘણા શેરો 20 ટકા અપર સર્કિટ સાથે બંધ રહ્યા હતા. પીએસયુના તમામ શેરો 4થી 13 ટકા સુધી ઉછળ્યા હતા.