મુખ્યમંત્રીએ જળસંચય અભિયાનના રાજ્યવ્યાપી પ્રારંભ માટે ભૂમિપૂજન કરેલા તળાવની કુલ ક્ષમતા ૧.૨૪ લાખ ઘનમીટર થશે
સમૃદ્ધ ગુજરાતની નેમ સાથે ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના તળાવ પાસે ભૂમિપૂજન કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૧નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે. જળસંચયના આ અભિયાન અંતર્ગત વડાવલી તળાવની સંગ્રહશક્તિમાં ૫૦,૦૦૦ ઘનમીટર જેટલો વધારો થશે.
ચાણસ્મા તાલુકાના સરવે નં.૧૬૧૯ પૈકી ૧માં આવેલું આ તળાવ ૭.૪૭ હેક્ટર વિસ્તારમાં આવેલું છે. એટલે કે ૭૪,૭૦૦ ચો.મી. વિસ્તારમાં સરેરાશ એક મીટરની ઉંડાઈ ધરાવતા આ તળાવની હાલની સંગ્રહશક્તિ ૭૪,૭૦૦ ઘનમીટર છે.
સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૧ અંતર્ગત તળાવના આગળ આવેલા ઉંચાણવાળા ભાગને સરેરાશ ૦૨ મીટર જેટલો ઉંડો કરી ૫૦,૦૦૦ ઘનમીટર કરતાં વધારે ખોદાણ કરી તેની ક્ષમતામાં ૬૬ ટકા જેટલો વધારો કરવામાં આવશે. આ કામગીરી બાદ તળાવની કુલ ક્ષમતા ૧,૨૪,૭૦૦ ઘનમીટર જેટલી થશે.
વડાવલી ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનના શુભારંભ પ્રસંગે ચામુંડા માતાજીના દર્શન કરી આશિષ મેળવતાં મુખ્યમંત્રી
ચાણસ્મા તાલુકાના વડાવલી ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૧નો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યવ્યાપી શુભારંભ કરાવવામાં આવ્યો. તળાવ પાસે ભૂમીપૂજન અને ઈ-માધ્યમથી રાજ્યભરમાં જળસંચય અભિયાનના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રીએ સભાસ્થળ પાસે આવેલા ચામુંડા માતાજીના દર્શન કરી આદ્યશક્તિના આશિષ મેળવ્યા હતા. જેમાં કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર, જી.આઈ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂત અને પૂર્વ ગૃહમંત્રીશ્રી રજનીભાઈ પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા.