Supreet Singh Gulati on the organization of Healthy Child Competition

સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા જિલ્લાના ૦થી ૦૬ વર્ષના બાળકો માટે ‘‘સ્વસ્થ બાળક પ્રતિસ્પર્ધા’’ યોજાશે. આગામી તા.૦૮થી તા.૧૪ જાન્યુઆરી, ૨૦૨૨ દરમ્યાન યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધાના આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.

જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, કુપોષણના પડકારને પહોંચી વળવા પોષણ અભિયાન અંતર્ગત યોજાનારી આ પ્રતિસ્પર્ધામાં બાળકોને કુપોષણથી મુક્ત કરવા ચોક્કસ વ્યુહરચના અપનાવવી પડશે. જેમાં વહિવટી તંત્ર ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓનું યોગદાન મહત્વનું છે. આરોગ્યકર્મીઓ અને આંગણવાડી કાર્યકરોની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓને આવશ્યક તાલીમ આપી બાળકોમાં રહેલા કુપોષણને નાથવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ ઉપલબ્ધ સંસાધનોની સમીક્ષા કરવા સાથે જણાવ્યું કે, રાજ્ય સરકારનો ઉદ્દેશ કુપોષિત બાળકોની ચકાસણી કરી તેમને અલગ તારવવાનો છે. આ કામગીરીથી લક્ષિત બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરી જરૂરી સારવાર કે પોષણયુક્ત આહાર સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાશે. સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સ્વસ્થ બાળક પ્રતિ સ્પર્ધા માટે શહેર તથા ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ સંસાધનોની જરૂરી ચકાસણી કરવાની પણ સુચના આપી હતી.

પોષણના મૂલ્યને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત સ્વસ્થ બાળક પ્રતિ સ્પર્ધા યોજાનાર છે. જેમાં સ્વસ્થ બાળકોની ઓળખ અને ઉજવણી પર ભાર મૂકી બાળકોની આરોગ્ય અને પોષણની સ્થિતિ સુધારવા વાલીઓમાં સ્પર્ધાત્મક લાગણી ઉત્પન્ન થાય અને લોકોમાં જાગૃતિ કેળવવામાં આવશે. આ માટે જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગોને જવાબદારી સોંપવામાં આવી છે.

સ્વસ્થ બાળક સ્પર્ધા જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો, પંચાયત, શાળાઓ, હોસ્પિટલ્સ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર યોજવામાં આવશે. આ સાથે સેલ્ફ મોડ એટલે કે મોબાઈલ એપ્લિકેશન પર બાળકોની ઉંચાઈ તથા વજન માપી ડેટા અપલોડ કરી શકશે. જો બાળક સ્વસ્થ હશે તો એપ્લિકેશનમાં જ પ્રમાણપત્ર જનરેટ થશે, જેને ડાઉનલોડ કરી શકાશે.

આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બિપીનભાઈ પટેલ, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ગૌરીબેન સોલંકી, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.દિવ્યેશભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ગૌરાંગ પરમાર તથા સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024