થરાદ તાલુકાના લેંડાઉ ગામના આધેડને એક સપ્તાહ પહેલાં બે શખ્સોએ રૂમાલ સુંઘાડી આધેડ સાનભાન ગુમાવી દેતા યુવકોએ તેમના કાનમાં પહેરેલી સવાભારની બંને મરકીઓ સહિત ૧૦ હજાર રૂપિયા લઇ ફરાર થઇ ગયા હતા.
જ્યારે ચાર દિવસે આધેડ એકદમ સ્વસ્થ થતાં લુંટ બાબતે શનિવારે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. થરાદના લેંડાઉ ગામના ખગારભાઈ જેહાભાઈ એક સપ્તાહ પહેલાં ગામની દૂધ મંડળીથી દૂધના પગારના ૧૦ હજાર રૂપિયા રોકડ લઈને થરાદ આવીને હનુમાન ગોળાઈ જીપમાંથી ઉતર્યાં હતા. આ વખતે બે અજાણ્યા શખ્સોએ તેમને રૂમાલ સુંઘાડતાં તેઓ સાનભાન ગુમાવીને યુવકોએ ચાલો કાકા તેમ કહેતાં તેમની પાછળ પાછળ ફરતા રહ્યા હતા.
આ અંગે તેમણે થરાદ પોલીસને વર્ણવેલી કેફિયત પ્રમાણે યુવકો પ્રથમ ટાંડા તળાવની પાળે લઈ ગયા હતા. જ્યાંથી લોરવાડા ગામની જીપસ્ટેન્ડથી જુના આરટીઓ ચેકપોસ્ટની પાસે આવેલા પાણીના સંપ પાસે લઈ ગયા હતા. જ્યાં અજાણ્યા યુવકોએ તેમના કાનમાં પહેરેલી અંદાજિત ૬૩ હજાર રૂપિયાની કિંમતની સોનાની સવાભારની બંને મરકીઓ કાઢી લીધી હતી. તેમજ તેમની પાસે રહેલા ૧૦,૦૦૦ રૂપિયા પણ લઈ લીધા હતા. વસ્તુઓ અને રોકડ લીધા બાદ બંને યુવકો જતા રહેતા તેઓ અર્ધબેભાન અવસ્થામાં બે કલાક સુધી બાવળ નીચે પડી રહ્યા હતા.
ત્યારબાદ ફરીથી થોડું ભાન આવતાં બજાર આવ્યા હતા. જ્યાં મળેલો પુત્ર તેમને ઘરે લઈ ગયો હતો. ઘરે ગયા પછી પણ ચારથી પાંચ દિવસ સુધી તેમની માનસિક અવસ્થા ગુમાવી દીધી હતી. ત્યારબાદ બધું યાદ આવતા થરાદ પોલીસ મથકમાં આ બનાવ અંગે જાણ કરી પોલીસે નિવેદન લઇ સીસીટીવી કેમેરા ચેક કરવાની તજવીજ હાથ ધરી લુંટારુઓને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યાં હતા.