થરાદમાંથી મંગળવારની મધરાત્રે છ અબોલ પશુઓ ભરેલ જીપડાલું પોલીસે ઝડપી લીધું હતું. ત્યારે બે શખ્સો સામે ગૂનો નોંધી થરાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. થરાદના શેણલનગર વિસ્તારમાં રહેતા ભુપતભાઈ વિહાભાઇ રાજપુત તથા કનાભાઇ બેચરભાઈ રાજપુત મંગળવારની રાત્રિના એક વાગ્યાના સુમારે નરેશભાઈ વેરશીભાઈ બ્રાહ્મણ સાથે હોસ્પિટલમાં બ્લડ આપવા માટે જતા હતા.
આ વખતે એક જીપડાલુ તિરંગા હોટલ તરફના રોડથી પાડા, બકરાં તથા વાછરડી ભરીને પસાર થતાં તેને રોકવા જતાં તેનો ચાલક ઉતરીને ભાગી છુટયો હતો. જ્યારે બાજુની સીટ પર બેઠેલ થરાદ તાલુકાના દિદરડા ગામનો કાસમભાઈ જીવાભાઈ બલોચ ઝડપાઈ ગયો હતો. જીપડાલામાં આ પશુઓ ઘાસચારા પાણીની સગવડ વગર ખીચોખીચ એકબીજા સાથે રસ્સીથી ગળા અને પગના ભાગેથી બાંધેલા હતા.
જીવદયાપ્રેમીઓએ પાડા ૩ કિંમત રૂ.૬૦૦૦, બકરા ર કિંમત રૂ.ર૦૦૦ તથા વાછરડી એક કિંમત રૂ.ર૦૦૦ ને થરાદ પોલીસ મથકને સોંપ્યા હતા. પોલીસે પશુઓને જાળવણી અર્થે પાંજરાપોળમાં મોકલી આપ્યાં હતાં. ભુપતભાઇની ફરિયાદના આધારે પોલીસે કાસમભાઇ બલોચ અને જીપડાલાના ચાલક સામે પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાની કલમની જોગવાઇ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.