- યાત્રાધામ ડાકોર ખાતે આવેલ પવિત્ર ગોમતી તળાવ ડાકોરની ધરોહર
- યાત્રાળુઓ પવિત્ર ગોમતી તળાવમાં અચૂક ડૂબકી લગાવે છે
KHEDA : યાત્રાધામ ડાકોર ખાતે આવેલ પવિત્ર ગોમતી તળાવ આજના યુગમાં કાળજી અને જાળવણીના અભાવે પ્રદૂષિત બની ગયું છે. ધાર્મિક પવિત્રતા ધરાવતાં આ તળાવમાં ગટરનું પાણી અને કચરો બેરોકટોક ઠાલવવામાં આવે છે. જેના કારણે યાત્રાએ આવતાં લોકો આ તળાવમાં સ્નાન કરતાં ખચકાય છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવેલ પવિત્ર ગોમતી તળાવના નીર પ્રદૂષિત થઈ રહ્યાં હોવા છતાં સ્થાનિક તંત્ર આ મામલે આંખ આડા કાન કરી રહ્યં હોવાની ફરીયાદો ઉઠી છે. ગોમતી તળાવમાં ગટરના પાણી ભળતા તળાવનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે તેની સામે આ પ્રદૂષિત જળનું ભક્તો આચમન કરતા આસ્થા સહિત આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો હોવાનું જાણવા મળ્યું છે.
તંત્ર સમક્ષ અનેક રજૂઆતો
નગરપાલિકામાં આ તળાવની સફાઇ બાબતે અનેક રજુઆત કરવામાં આવેલી છે પણ તળાવની સફાઇ કરવામાં આવતી નથી. યાત્રાધામ વિકાસ બોર્ડ તથા સરકાર દ્વારા ગોમતી તળાવને સ્વચ્છ કરવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં નગરપાલિકા આ તળાવને સ્વચ્છ રાખવામાં નિષ્ફળ રહ્યી છે. જોકે આ બાબતે ફકત તંત્રનો જ વાંક કાઢવો એક પક્ષીય ગણાશે, કારણ કે આ તળાવને પ્રદૂષિત કરવામાં લોકોનો બહુમૂલ્ય ફાળો છે. ડાકોરના ગોટા પ્રખ્યાત છે. યાત્રાળુઓ ગોટાના પડીકાઓ લઇને ગોમતી તળાવના કિનારે મોજથી ગોટાનો આસ્વાદ માણે છે અને કચરો ગોમતી તળાવમાં નાખે છે.
આ પણ વાંચો : પાટણ જિલ્લાના હારીજમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી
કેટલાક સમયથી ગોમતીના નીર પ્રદૂષિત બન્યા હોવાની બૂમો ઉઠી છે. ગોમતી તળાવની આસપાસમાં આવેલ ગટરો ઉભરાતા ગટરમાંથી ગંદા પાણી ઉભરાઈને તળાવના પાણીમાં ભળતા જોવા મળી રહ્યાં છે. આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર આ મામલે આંખ આડા કાન કરી રહ્યું છે. હાલ તો ગટરના પ્રદૂષિત પાણી ગોમતી તળાવમાં ભળતા સ્થાનિકો સહિત યાત્રાળુઓના આરોગ્ય સામે ભયંકર જોખમ ઉભું થવા પામ્યું છે.
મહાભારતકાળના સમયનું ગોમતી તળાવ
ગોમતી તળાવમાં ગોમતી નદીનું પાણી આવે છે. ગોમતી તળાવની ઉત્પતિ મહાભારતકાળની હોવાનું માનવામાં આવે છે. મહાભારતકાળમાં ચરોતર અને તેમાં પણ ડાકોરની આસપાસનો વિસ્તાર હિડંબા વન તરીકે ઓળખાતો હતો. આ વિસ્તારમાં ઘણા જળાશયો હતા.(એમના અવશેષો રૂપે વાંઘરોલી, સૈયાત, રાણી પોરડા વગેરે જળાશયો કપડવંજ તાલુકા પ્રદેશમાં આજે પણ હયાત છે.) આ જળાશયોના કાંઠે ઋષીમુનિઓના આશ્રમો હતા. એવા ઋષીઓ પૈકી એક ડંક મુનિનો આશ્રમ હતો આ ડંક મુનિ કંડુ ઋષિના ગુરૂભાઇ હતા અને મહાદેવના પરમ ભકત હતા. ડંક મુનિએ એક વડ નીચે બેસીને ઉગ્ર તપસ્યા કરી. મહાદેવ પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું ત્યારે ડંક મુનિએ તેમને આશ્રમમાં વસવા વિનંતી કરી. તેમની વિનંતીને માન્ય રાખીને મહાદેવ આશ્રમમાં લિંગ સ્વરૂપે રહ્યા.(હાલમાં ડાકોરમાં ગોમતીના કિનારે રણછોડરાયજીના મંદિરની સામે ડંકનાથ/ડંકેશ્વર મહાદેવનું મંદિર છે.) ડંક મુનિના આશ્રમમાં એક વખત મુસાફરી દરમિયાન શ્રી કૃષ્ણ અને ભીમ આવ્યા હતા. ડંક મુનિએ પોતાના આશ્રમની પાસે પાણીનો એક નાનો કુંડ બનાવેલો હતો. એ કુંડનું શીતળ જળ પીને શ્રી કૃષ્ણ અને ભીમ તૃપ્ત થયા હતા. એ સમયે ભીમને એ કુંડ મોટો બનાવવાનો વિચાર આવ્યો અને એ વિચારને અમલમાં મુકવા ભીમે એ કુંડના સ્થળે ગદા પ્રહાર કર્યો. ભીમના ગદા પ્રહારથી એ કુંડ ૯૯૯ વીઘા જમીનમાં તળાવ સ્વરૂપે ફેલાઇ ગયું.(એ તળાવ એટલે આજનું ગોમતી તળાવ.) ભીમના ગદા પ્રહારથી ડંક મુનિની તપસ્યા ભંગ થઇ અને તેમણે શ્રી કૃષ્ણ અને ભીમને જોયા. શ્રી કૃષ્ણએ તેમને વરદાન માગવા કહ્યું ત્યારે ડંક મુનિએ મહાદેવની જેમ શ્રી કૃષ્ણને પણ આશ્રમમાં વસવા વિનંતી કરી. શ્રી કૃષ્ણએ વિનંતી માન્ય રાખી. પૌરાણિક માન્યતા પ્રમાણે એ પછી ૪૨૨૫ વર્ષ મુર્તિ સ્વરૂપે દ્વારકામાં રહ્યા અને પછી ભકતરાજ વિજયસિંહ બોડાણાની ભકિતવશ ડાકોર પધાર્યા અને ડંક મુનિના આશ્રમમાં રહ્યા. સમયના પ્રવાહની સાથે લોકો ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવના મંદિર પાસે વસવાટ કરવા લાગ્યા. પહેલા એ ડંકપુર અને એ પછી આજનું ડાકોર બન્યું. શ્રી કૃષ્ણ અનેક નામથી ઓળખાય છે. ડાકોરમાં શ્રી કૃષ્ણ રણછેડરાયજીના નામે ઓળખાય છે તેની પાછળ એક કથા છે. શ્રી કૃષ્ણ પહેલા મથુરામાં રહેતા હતા. જયારે જરાસંઘના મિત્ર કાલયવને શ્રી કૃષ્ણ ઉપર હુમલો કર્યો ત્યારે શ્રી કૃષ્ણ મથુરાવાસીઓની સલામતિ માટે તેમને સાથે લઇને રણ છોડીને મથુરાથી ભાગી ગયા હતા અને દ્વારકામાં નવી નગરી બનાવીને વસ્યા હતા. આથી તેઓ દ્વારકા અને ડાકોરમાં રણછોડરાયજીના નામથી ઓળખાય છે.