Gujarat: દેશભરમાં હાહાકાર મચાવનાર મુન્દ્રાના 21 હજાર કરોડના ડ્રગ્સ કાંડ મામલે NIAની એક ટીમ કચ્છના મુન્દ્રા બંદર પર પહોચી. ત્રણ હજાર કિલો સફેદ પાઉડર અફઘાનિસ્તાનથી થઈને પહોચ્યો હતો.
ચાર કન્ટેનર્સમાંથી સંદિગ્ધ એવા બે કન્ટેનર્સમાંથી મોટા પ્રમાણમાં કેફી પદાર્થ જણાતા દેશની તમામ એજન્સીઓ સતર્ક થઇ ગઈ હતી. હવે NIAની ટીમએ મુન્દ્રા પહોચીને છેલ્લા છ મહિનાઓના શંકાસ્પદ કન્સાઇન્મેન્ટની ચકાસણી શરુ કરી છે. આગામી દિવસોમાં ડ્રગ્સ કેસમાં મોટા ખુલાસાઓ થવાની સંભાવનાઓ છે.NIA ડ્રગ્સને લઈને આંતર રાષ્ટ્રીય કનેક્શનસની ગહનતા પૂર્વક તપાસ કરશે. 21 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આન્ધ્ર પ્રદેશના વિશાખાપટટનમ નાં એક દંપતી સહીત લગભગ 8 શખ્સોની ડ્રગ્સ કાંડમાં ધરપકડ થઇ ચુકી છે. NIA મુન્દ્રામાં ઉતારેલા ડ્રગ્સ અંગે દિલ્હી,મુંબઈ, આંધ્ર પ્રદેશ, સહીત કેટલાય રાજ્યોમાં તેના તાર શોધી રહી છે.
પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો હાથ
ગુજરાતનાં તમામ બંદર હંમેશાં દાણચોરી તેમજ તસ્કરી મામલે વિવાદોમાં રહ્યાં છે. દાણચોરી અને તસ્કરી મામલે ગુજરાતનાં બંદરો તસ્કરોનાં હોટ ફેવરિટ રહ્યાં છે. જોકે 21 હજાર કરોડનાં હેરોઇન બાદ હવે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે અને ગલ્ફ કન્ટ્રીથી માલ ભરીને ઇમ્પોર્ટ થતાં તમામ કન્ટેનરને બારીકાઇથી તપાસવામાં આવશે અને ત્યારબાદ તેને રિલીઝ કરવામાં આવશે.
કરોડો રૂપિયા આતંકવાદી પ્રવૃત્તિમાં થતા હતા ઉપયોગ
મુન્દ્રામાં અદાણી પોર્ટ પરથી અંદાજિત 21 હજાર કરોડની કિંમતનું ત્રણ હજાર કિલો હેરોઈન જપ્ત થયું હોવાના ચકચારી કિસ્સામાં સુરક્ષા એજન્સીઓ ચિંતામાં આવી ગઇ છે. ડ્રગ્સ આંતકીઓ ગલ્ફ કન્ટ્રી મારફતે દેશના દરિયાઇ રસ્તે હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ધુસાડી રહ્યા છે. ડ્રગ્સના ધંધામાં થયેલ કરોડો રૂપિયા આતંકવાદી પ્રવૃત્તિમાં ઉપયોગ થતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. સુરક્ષા એજન્સીઓએ દરિયાઇ રસ્તે આવતાં કરોડો રૂપિયાનાં ડ્રગ્સના અનેક જથ્થા ઝડપી પાડ્યા છે. પાકિસ્તાનની આ હરકતો પર સુરક્ષા એજન્સીઓ બાજ નજર રાખીને બેઠી છે ત્યારે ટૂંકા સમયમાં ડ્રગ્સની દુનિયામાં નામ કરી દેનાર કચ્છના શાહિદ સુમરાની એનઆઇએ (નેશનલ સિક્યોરિટી એજન્સી)એ ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી છે. જેમાં ડ્રગ્સ મામલે તેની પૂછપરછ કરવામાં આવશે.
મુન્દ્રા પોર્ટથી ઝડપાયેલો વિક્રમી હેરોઈન ડ્રગ્સનો ત્રણ ટન જથ્થો કે જે આંતરરાષ્ટ્રીય બજારની કિંમત અનુસાર એક કિલોના પાંચ કરોડની કિંમત ગણતાં કુલ 21 હજાર કરોડનો જથ્થો સિઝ કરીને કંડલા અને બીએસએફના સુરક્ષિત ક્ષેત્રમાં રખાયો હોવાનું જાણવા મળે છે. તો જપ્ત જથ્થાની શુદ્ધતા અંગે દિલ્હીની મુખ્ય લેબોરેટરીના રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે.
બીજી તરફ આ પ્રકરણમાં ચેન્નઈથી આયાતકાર દંપતી એમ. સુધાકર અને દુર્ગા વૈશાલીની ધરપકડ કરીને ભૂજની જેલ હવાલે કરાયા બાદ, દિલ્હીથી બે અફઘાનિસ્તાની અને અન્ય એક વ્યક્તિની આ પ્રકરણમાં સંડોવણી માટે અટકાયત કરાયાનું સામે આવ્યું હતું. તો હવે ગાંધીધામથી આ કન્સાઈન્મેન્ટનાં બુકિંગ કરનારા ફોરવર્ડિંગ સાથે જોડાયેલા એક શખ્સને પણ તપાસાર્થે રાતોરાત ઉઠાવાયો હોવાનું જાણવા મળે છે.