પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સૌથી વધુ ભૂગર્ભ ગટરો ઉભરાવવાની ઘટનાઓ બની રહી છે. છાશવારે કોઈના કોઈ સ્થળે ગટરો ઉભરાતા રહીશો ત્રાસી ગયા છે.
થોડા સમય પૂર્વે પાટણ-ડીસા હાઈવે પર આવેલા પેટ્રોલપંપની બાજુની શિવ વિહાર સોસાયટીના ઘરો શૌચાલય અને બાથરુમોમાં ભૂગર્ભ ગટરના પાણી બેક મારતા ઉભરાઈ હતી. જેના કારણે અત્રેના રહીશો ચૈતન્ય ત્રિવેદી સહિત ચારેક પરિવારોને હિજરત કરવાનો વારો આવ્યો હતો ને આ અંગે રજૂઆતો કરવા છતાં તેનો ઉકેલ ન આવતાં પાટણ નગરપાલિકામાં રજૂઆત કરી હતી.
અત્રેના રહીશોએ પાટણ પાલિકા પ્રમુખ તથા ચેરમેન વિગેરેને રજૂઆતો કરતા તેઓએ યોગ્ય કરવાની ખાત્રી આપી હતી. ચૈતન્ય ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમે છેલ્લા ચારેક મહિનાથી અમારા ઘરમાં ગંદા પાણી ભરાઈ જવાના કારણે પરેશાન છીએ.
અત્રે નોંધનીય છે કે પાટણ-ડીસા- ચાણસ્મા હાઈવે ઉપર સિધ્ધપુર ચારરસ્તા ઉપર હાલમાં ઓવરબ્રીજ બનતો હોવાથી આ રોડ પરની જૂની ભૂગર્ભ ગટર લાઈન પસાર થતી હોવાથી તેને અન્યત્ર શિફટ કરવાની કામગીરી ચાલી રહી હોવાથી કામચલાઉ ધોરણે તેનું જોડાણ બીજી લાઈનમાં કરાયું હોવાથી અને નવી લાઈન નંખાતી હોવાથી તેનું લેવલ યોગ્ય રીતે જળવાતું ન હોવાથી શ્રમજીવી વસાહત, સરસ્વતી સોસાયટી, શિવકૃપા, પંચમુખી, સિધ્ધરાજ નગર, ગોકુલ નગર, શ્યામ વિગેરે સોસાયટીઓ પણ તેનાથી પ્રભાવિત થઈ છે.