કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના લાવવામાં આવી છે, જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે વિરોધની જ્વાળાઓ જામનગર સુધી પહોંચી છે. આજે સવારે લશ્કરમાં ભરતી થવા માટે પરીક્ષા આપનારા યુવાનો દ્વારા વિશાળ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. આ પ્રદર્શનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં ઉતર્યા છે અને પોલીસ ઉપરાંત એસઆરપી સહિતનો લોખંડી સુરક્ષા પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.
જામનગર શહેરમાં આજે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યોજનાના વિરોધમાં એકઠા થયા હતા. સશસ્ત્ર દળોમાં અગ્નિપથ યોજના હેઠળ યુવાનોની ભરતી મામલે જામનગરમાં આર્મી ગેટ પાસે ધરણા પ્રદર્શન દરમ્યાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. રજૂઆતના પ્રત્યુત્તરમાં વિદ્યાર્થીઓ અસંતુષ્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જતાં જણાઈ ત્યારે પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી છે.
એટલું જ નહીં, પોલીસ દ્વારા યુવાનોના ટોળાને વિખેરવા હળવો બળપ્રયોગ કરાયો છે. સૌરાષ્ટ્રભરમાંથી મિલેટરી સ્ટેશન ખાતે ભેગા થયેલા યુવાનોને વિખેરવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસ દ્વારા લાકડીઓ બતાવી વિદ્યાર્થીઓના ટોળા વિખેરવા પ્રયાસ હાથ ધરાયો. છેલ્લે પોલીસે હળવો બળ પ્રયોગ શરૂ કરતાં વિરોધ કરી રહેલ યુવાનોમાં નાસભાગ મચી ગઈ હતી.
નોંધનીય છે કે, ‘અગ્નિપથ’ યોજનાના વિરુદ્ધમાં ઠેર-ઠેર દેખાવો થઈ રહ્યા છે. હિંસાની આગ બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન પછી તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, દિલ્હી સહિત 13 રાજ્યમાં પહોંચી હતી. આ રાજ્યોનાં 40થી વધુ શહેરોમાં તોફાન થયાં છે, તેમજ રેલવેટ્રેક અને હાઈવે, રસ્તાઓ જામ કરવામાં આવી રહ્યા છે.