- ગામદીઠ એક ખેડૂત પ્રતિનિધીને માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ આપી તેમના દ્વારા અન્ય ખેડૂતોને શિખવવામાં આવશે પ્રાકૃતિક ખેતીના પાઠ
- પાટણ જિલ્લાના શંખેશ્વર મુકામે સંસ્કાર વિલા ખાતે ગત ૦૫ ડીસેમ્બરથી ૧૧ ડીસેમ્બર દરમ્યાન કૃષિ તાલીમ શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતી વિષય પર માર્ગદર્શન માટે યોજાયેલા આ વર્કશોપમાં ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ દ્વારા કૃષિ ખર્ચમાં ઘટાડો કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તે માટે તાલીમ આપવામાં આવી.
- રાસાયણીક ખેતીના કારણે જળ, જમીન અને વાતાવરણથી લઈ ખાદ્ય પેદાશો પણ દુષિત થઈ રહી છે. જેના કારણે અસાધ્ય રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. આ સમસ્યાના નિવારણ સ્વરૂપ પદ્મશ્રી સુભાષ પાલેકર દ્વારા પ્રસ્તુત પ્રાકૃતિક કૃષિનો અભિગમ અપનાવી કૃષિ આધારીત ખર્ચમાં ઘટાડો કરી શકાય તે માટે રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ કરી સેન્દ્રિય ખાતર, પશુપાલનની આડપેદાશો તથા કુદરતી સંસાધનોના ઉપયોગને ઉત્તેજન આપવા ખેડૂતોને તાલીમ આપી વધુને વધુ ખેડૂતો સુધી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પહોંચે તે માટે અનુરોધ કરવામાં આવ્યો.
- માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. પ્રાકૃતિક ખેતી દ્વારા કૃષિ પર થતા ખર્ચમાં ઘટાડો કરી ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી પર માર્ગદર્શન માટે રાજ્યકક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં જિલ્લાના ૪૫૦ જેટલા ખેડૂત તાલીમાર્થીઓને સાત દિવસીય ઑનલાઈન તાલીમ આપી માસ્ટર ટ્રેનર તરીકે તૈયાર કરવામાં આવી રહ્યા છે.
- આમ પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર પ્રગતિશિલ ખેડૂતો થકી ભવિષ્યમાં જિલ્લાના અન્ય ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને તેનો વ્યાપ વધે તથા ખેડુતોની જીવનશૈલીમાં ઉતરોત્તર પ્રગતિ થાય તે માટે ગામદીઠ એક ખેડૂત પ્રતિનિધી પસંદ કરી માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ આપવા જિલ્લાના કૃષિ ખાતાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
- ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતીના પ્રણેતા અને પદ્મશ્રી સુભાષ પાલેકર દ્વારા ખેડા જિલ્લાના વડતાલ ખાતેથી કાર્યક્રમનું લાઇવ વિડિયો પ્રસારણ થઈ રહ્યું છે. જે બાયસેગના માધ્યમથી ગુજરાત ચેનલ-૪ પરથી તેમજ યુટ્યુબ એપ્લિકેશન અને જીઓ ટીવી એપ્લિકેશન મારફતે નિહાળી શકાય છે. તેમજ ઉક્ત માધ્યમ દ્વારા સંબોધન થકી જિલ્લાના ખેડુતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ વિષય પર અન્ય ખેડૂતો પણ કાર્યક્રમનો ઘરે બેઠા લાભ લઈ રહ્યા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવો PTN News