અમદાવાદ: સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં સ્થાનિક લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે રોકડ અને અન્ય પ્રલોભન આપવાના આરોપસર બે લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે.
એફઆઈઆર અનુસાર, આરોપીઓએ લોકોને ખાતરી આપી હતી કે ખ્રિસ્તી ધર્મ અપનાવવાથી આર્થિક મુશ્કેલીઓથી મુક્તિ મળશે અને માત્ર ધર્મ પરિવર્તન કરનારા લોકો માટે જ આ લાભ ઉપલબ્ધ રહેશે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બે શખ્સોની ઓળખ સુરેન્દ્રનગરના રહેવાસી રતિલાલ પરમાર અને રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી ભંવરલાલ પારધી તરીકે થઈ છે.
આ બંને આરોપીઓએ હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ અપમાનજનક શબ્દો પ્રયોગ કર્યા હતા, જેના કારણે તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનું ફરિયાદીએ જણાવ્યું. આરોપીઓની આ હરકત અંગે ફરિયાદીએ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સ્થાનિક નેતાઓને જાણ કરી. ત્યારબાદ, આ હિન્દુ સંગઠનોના નેતાઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે આરોપીઓ સ્થાનિક લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા પ્રોત્સાહન આપી રહ્યા હતા. આ ઘટનાને જોતા, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ પોલીસને જાણ કરી હતી.