- યુનિવર્સિટીની કારોબારી સમિતિની બેઠક મળે તે પૂર્વે જ વિદ્યાર્થી સંગઠન ના આક્રોશને લઈ યુનિવર્સિટી પોલીસ છાવણીમાં ફેરવાઈ..
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે સોમવારના રોજ કારોબારી સમિતિની બેઠક મળે તે પૂર્વે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ દ્વારા એમ.બી.બી.એસ ગુણ કૌભાંડ મામલે હંગામો મચાવતા યુનિવર્સિટીના સત્તાધીશો ને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી અનેક વિવાદોને લઈને ચર્ચાના એરણે રહેવા પામે છે ત્યારે તાજેતરમાં સરકારના તપાસ અધિકારી દ્વારા યુનિવર્સિટીમાં એમબીબીએસ ઉત્તરવહી કૌભાંડમાં મામલે યુનિવર્સિટીના કુલપતિને એક સપ્તાહમાં કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા આ મામલો ગંભીર હોય સરકાર સમક્ષ તપાસ અર્થે વધુ સમયની માંગ કરતાં સરકાર દ્વારા એક માસની મુદત આપવામાં આવતા આ મામલો પેચીદો બન્યો હોય યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ મામલાને રફેદફે કરવા પ્રયાસો હાથ ધરાયા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ દ્વારા સોમવારના રોજ યુનિવર્સિટીની કારોબારી બેઠક મળે તે પૂર્વે કુલપતિ પાસે એમ.બી.બી.એસ ઉત્તરવહી કૌભાંડ મામલે રજૂઆત કરવા આવતા યુનિવર્સિટી વહીવટી ભવન સનસનાટી મચી જતા યુનિવર્સિટીના સત્તાધીશો ને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
મામલાની ગંભીરતા સમજી યુનિવર્સિટી ખાતે આવેલા પોલીસ કર્મચારીઓએ એનએસયુઆઈના કાર્યકરો ને સમજાવવાનો પ્રયાસ કરતાં અને યુનિવર્સિટી કેમ્પસમાં ધરણા બાબતે કોઈપણ જાતની પરમિશન લીધી છે કે કેમ તે બાબતે પૂછપરછ કરતા વિદ્યાર્થી સંગઠનના કાર્યકર્તાઓએ પાટણ શહેરમાં ખુલ્લેઆમ વેચાતા દારૂ ની પરમિશન પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી છે કે કેમ તેવો સણસણતો સવાલ કરતાં પોલીસ પણ ધડી ભર માટે આવક બની ગઈ હતી. અંતે પોલીસની સમજાવટ ને કારણે યુનિવર્સિટીની કારોબારી સમિતિની બેઠક 12:39 કલાકના શુભ મુહૂર્તમાં કુલપતિ ના અધ્યક્ષ સ્થાને શરૂ થવા પામી હતી અને કારોબારી સમિતિની શરૂઆત દરમિયાન એનએસયુઆઈના કાર્યકર્તાઓને યુનિવર્સિટીના કુલપતિએ આ મામલે સાંજે વિસ્તૃત માહિતી આપવા હૈયાધારણ આપતાં વિદ્યાર્થી સંગઠનના કાર્યકર્તાઓ યુનિવર્સિટી માંથી પરત ફરતા યુનિવર્સિટીની કારોબારી શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થવા પામી હતી.