રસીકરણ ઝુંબેશમાં મહત્તમ પ્રમાણમાં રસી લઈ પાટણના પ્રબુદ્ધ પ્રજાજનોનો જિલ્લા વહિવટી તંત્રની મૅગા વેક્સિનેશન ડ્રાઈવને બહોળો પ્રતિસાદ

કોરોના વાયરસ સામેની લડાઈમાં રસી લઈ પાટણના પ્રબુદ્ધ પ્રજાજનોએ જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરી છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી મૅગા વેક્સિનેશન ડ્રાઈવમાં તા.૨૧ માર્ચના રોજ ૬,૦૦૦ કરતાં વધુ વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો છે.

રાજ્યમાં કોવિડ-૧૯ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જેમને વાયરસના સંક્રમણનું સૌથી વધુ જોખમ છે એવા વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી એટલે કે ગંભીર રોગો ધરાવતા નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મૅગા વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા સામાજીક, ધાર્મિક અને રાજકિય આગેવાનોના સહયોગથી પ્રજાજનોમાં કોરોના પ્રતિરોધક રસી અંગેની ભ્રામક માન્યતાઓ દૂર કરી રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

કોરોના પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ગત તા.૦૬ માર્ચના રોજ રસી લેનારા બોરસણ ગામના આગેવાનશ્રી હરગોવનભાઈ દેસાઈ જણાવે છે કે, રસી લેવાથી ગભરાવવાની જરૂર નથી. મને બ્લડ પ્રેશરની તકલીફ છે તેમ છતાં રસી લીધાના ૧૫ દિવસથી વધુ સમય થયો હોવા છતાં મને તેની કોઈ આડઅસર થઈ નથી. એટલે કે આ રસી સલામત છે અને બધા જ લોકોએ રસી લેવી જોઈએ.

સાથે જ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ તલાટી કમ મંત્રીશ્રી, આશા વર્કર્સ, આંગણવાડી કાર્યકરો સહિતના ફિલ્ડ લેવલના કર્મચારીઓ દ્વારા પણ મહત્તમ લોકોનું રસીકરણ થાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે. તંત્રના આ પ્રયાસોને બહોળો પ્રતિસાદ આપી તા.૨૧ માર્ચના રોજ ૬,૦૧૫ જેટલા વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો. એટલે કે માત્ર બે જ દિવસમાં ૧૧,૦૦૦ કરતાં વધુ લોકોએ રસી લઈ જિલ્લામાં સૌથી વધુ રસીકરણનો વિક્રમ નોંધાવ્યો.

વરિષ્ઠ નાગરિકોએ મોટા પ્રમાણમાં રસીકરણ ઝુંબેશ અંતર્ગત રસી લઈ રસી સલામત હોવાનો સંદેશ આપ્યો છે. ખુબ ટૂંકા ગાળામાં મહત્તમ લોકો રસી લેવા માટે પ્રેરાયા છે ત્યારે રસી લેવાની બાકી હોય તેવા નાગરિકો પણ આ વેક્સિનેશન ડ્રાઈવમાં ભાગ લઈ પોતાના પરિવાર અને સમાજને કોરોના વાયરસ સામે રક્ષાકવચ પૂરૂ પાડવાના તંત્રના પ્રયાસોમાં સહભાગી થાય તે આવશ્યક અને આવકારદાયક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024