અમદાવાદ વસ્ત્રાલ ક્રાઈમ: હોળીના દિવસે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં 25થી વધુ શખ્સોએ ખુલ્લી તલવારો, છરી અને પાઈપ જેવા હથિયારો સાથે આખા વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. આ શખ્સોએ રસ્તા પરથી પસાર થતી ગાડીઓ પર તલવાર અને છરીના ઘા મારીને તેમના વાહનોની તોડફોડ કરી હતી. આ અસામાજિક તત્ત્વોએ પોતાના દાદાગીરીનો પ્રદર્શન કરવા માટે આખા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાવ્યો હતો.
પોલીસે આ કેસમાં વધુ એક આરોપી રાજ ઉર્ફે ભુરા ભાટી નામના શખ્સની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં સગીર સહિત કુલ 17 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આ કૃત્યનો મુખ્ય સુત્રધાર પંકજ ભાવસાર હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસે ફરાર આરોપીને શોધવા માટે વિશેષ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.
સાત આરોપીના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવાયું
વસ્ત્રાલમાં આતંક મચાવનાર લુખ્ખાઓના વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે આરોપીઓને જાહેરમાં લાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ ઉપરાંત સાત આરોપીના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યા હતા. વધુમાં, એક અન્ય આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે. પોલીસએ AMC દ્વારા તમામ આરોપીના ઘરનો રિપોર્ટ મેળવ્યો છે અને ચાર અન્ય આરોપીના ઘરો પર પણ બુલડોઝર ફેરવવાની તૈયારી ચાલી રહી છે.
શું હતો મામલો?
હોળીની રાત્રે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ બેફામ આતંક મચાવ્યો હતો. વીડિયો વાયરલ થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. વીડિયોમાં દેખાતા તોફાની તત્ત્વોએ રાહદારીઓ પર હુમલો કર્યો અને આજુબાજુ ઉભેલા વાહનો અને દુકાનોમાં તોડફોડ મચાવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આશરે 15 થી 20 તોફાનીઓના ટોળાએ આ બબાલ મચાવી હતી અને રાહદારીઓ સાથે મારામારી અને અપશબ્દો બોલ્યા હતા.
અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી
અમદાવાદ પોલીસે જાહેર કર્યું છે કે શહેરમાં ભય ફેલાવનાર, દાદાગીરી કરનાર કે કોઈપણ ગેરકાયદે કૃત્ય કરનાર અસામાજિક તત્ત્વો સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આવા તત્ત્વોને પકડવા માટે ઈનામી પ્રયોગ અને માહિતી આપવા માટે વોટ્સએપ નંબર 63596 25365 જાહેર કરવામાં આવ્યો છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અસામાજિક અને લુખ્ખા તત્ત્વોની માહિતી આપી પોલીસને સહકાર આપે.