વિશ્વ વારસા દિવસ નિમિત્તે પાટણ ખાતે પી. કે. કોટાવાલા આર્ટ્સ કોલેજમાં “ઇતિહાસ વિભાગ” દ્વારા “વિશ્વ વારસા દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડૉ. જી. પી. શ્રીમાળી દ્વારા વિદ્યાર્થીઓને વડનગરનાં સ્થાપત્યો જેવાં કે, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, તાના-રીરી સમાધિ સ્થાનક, ધાર્મિક સ્થાનમાં હાટકેશ્વર મહાદેવ મંદિર, બૌદ્ધસ્તૂપ, લટેરી વાવ તેમજ હાલમાં પણ પ્રાચીન નગરીને ઉજાગર કરવા વડનગરમાં ઘણાં સમયથી પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરાઈ રહ્યું છે ત્યારે અગાઉ પણ ૨૦૦૦ વર્ષ જૂની નગરીના અવશેષો મળી આવેલ. જેમાં બૌદ્ધસ્તૂપ, નગરની ફરતે લાંબો કોટ, પ્રાચીન સિક્કા, શંખની બંગડીઓ તેમજ માટીનાં જૂના વાસણો પણ મળી આવેલ છે જેવી માહિતી આપી હતી.
સિધ્ધપુરના સ્થાપત્યમાં રુદ્રમહાલય મંદિર જે ખંડિત મંદિર સંકુલ અને પ્રાચીન સ્થાપત્ય છે. તેનું બાંધકામ ઇ.સ. ૯૪૩માં સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ શરૂ કરાવ્યું હતું અને ૧૧૪૦માં સિદ્ધરાજ જયસિંહના કાળમાં પૂર્ણ થયું હતું. રુદ્રમહાલય રેતીયા પથ્થરથી તૈયાર કરવામાં આવ્યું હતું. સિધ્ધપુરનું બિંદુ સરોવર જે ભારતમાં માતૃતર્પણ વિધિ માટે જાણીતું છે.
સિદ્ધપુરમાં આવેલ દાઉદી વોરાનાં 200 વર્ષ પહેલાના ઘરોનું આર્કિટેક્ચર જેમાં હિન્દુ સંસ્કૃતિ, વિદેશી આર્ટ અને બ્રિટિશ છાંટનો પ્રભાવ જોવા મળે છે. આ ઘરમાં જૂનાં જમાનાની બાંધણી અને ડિઝાઇન તે ભવ્ય ભૂતકાળને રજૂ કરે છે. આ મકાનો અને હવેલી તેનાં સુંદર નકશીકામ અને અસંખ્ય બારીઓ માટે જાણીતી છે. અરવડેશ્વર મહાદેવ એ પ્રાચીન શિવ મંદિર છે. જેવી વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ૬૦ જેટલાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. સંગીતાબેન એન. બકોત્રા તેમજ ડૉ. મીનાબેન ડી. અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ સફળ પૂર્વક પૂર્ણ થયો હતો.