Patan : સરસ્વતી તાલુકાના કાલોધી ગામના ગુમ થયેલ યુવકની નાના વેલોડા પાસે રેલવે ટ્રેક (railway train) પરથી કપાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી હતી. કાલોધી સદાસણ ગામના કાન્તિજી મેવાજી ઠાકોરનો પરિવાર લગ્નમાં ગયો હતો.અને તેમનો દિકરો અશોકજી ઠાકોર મોડે સુધી ઘરે ન આવતાં આજુબાજુ શોધખોળ કરવા છતાં ભાળ મળી નહોતી.
મંગળવારે રાત્રે વાયડ રેલ્વે સ્ટેશન પર કપાયેલી હાલતમાં લાશ મળી છે તેવી રેલ્વે કર્મચારીએ રેલ્વે પોલીસને જાણ કરાતા પોલીસે આ બાબતે સરસ્વતી પોલીસને જાણ કરી હતી.સરસ્વતી પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી. પોલીસે તપાસ કરતાં નાયતાથી નાના વેલોડા તરફ જતાં રોડ પરના ફાટકથી વીડ તરફ અકસ્માત થયો હતો.
પંથકમાં વાયુવેગે સમાચાર પ્રસરી જતાં મંગળવારે રાત્રે પરિવારજનો વાયડ રેલ્વે સ્ટેશન દોડી આવ્યા હતા. બાદમાં મૃતક અશોકજી ઠાકોરનું પાટણ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું હતું. જે ઘટના અંગે સરસ્વતી તાલુકા પોલીસ મથકે અકસ્માત મોતની નોંધ કરાઈ હતી. સરસ્વતી પોલીસ પીએસઆઈ એમ.જી વાઘેલાએ આ અંગે તપાસ હાથ ધરી હતી.પોલીસે જણાવ્યું હતું કે મૃતક યુવક અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું હતું.