પાકિસ્તાનના એક માત્ર શીખ પોલીસ અધિકારી ગુલાબ સિંહ સાથે ગેરવર્તણૂંકનો મામલો સામે આવ્યો છે.
પાકિસ્તાનના એક માત્ર શીખ પોલીસ અધિકારી ગુલાબ સિંહ સાથે ગેરવર્તણૂંકનો મામલો સામે આવ્યો છે. સિંહનો આરોપ છે કે, કેટલાંક ઓફિસરોએ તેઓને પરિવાર સહિત ઘરમાંથી બહાર કાઢી દીધા છે. તેમના વાળ ખેંચવામાં આવ્યા, તેમને પાઘડી ના પહેરવા દીધી અને પત્ની તેમજ ત્રણ દીકરાની સામે માર મારવામાં આવ્યો. ગુલાબસિંહે આને પાકિસ્તાનમાંથી શીખો કાઢી મુકવાનું કાવતરું ગણાવ્યું. સિંહ લાહોરના ગુરુદ્વારામાં જમીન પર બનેલા લંગર હોલ પરિસરમાં રહે છે. ઇવેક્યૂ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના જણાવ્યા અનુસાર, હોલમાં કેટલાંક લોકો ગેરકાયદેસર રીતે રહેવા લાગ્યા હતા, તેથી તેઓને ત્યાંથી હટાવવામાં આવ્યા. જ્યારે સિંહે કહ્યું કે, તેઓ કોર્ટ પાસેથી સ્ટે લઇને આવ્યા હતા, તેમ છતાં આ કાર્યવાહી થઇ.
- આ ઘટના મંગળવારની છે, બુધવારે સિંહે મીડિયાની સામે પોતાની આપવીતિ જણાવી હતી.
- તેઓએ કહ્યું, 1947થી જ મારો પરિવાર પાકિસ્તાનમાં રહે છે. રમખાણો બાદ પણ અમે દેશ નથી છોડ્યો, પરંતુ હવે અમને આ માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.
- મારું મકાન સીલ કરી દેવામાં આવ્યું છે, બધો સામાન પણ અંદર રહી ગયો છે. મેં પાઘડી પણ જૂના કપડાંથી બાંધી છે. મને મારવામાં આવ્યો અને મારી ધાર્મિક આસ્થાનું અપમાન કરવામાં આવ્યું છે.
- સિંહે દાવો કર્યો છે કે, પાકિસ્તાન શિરોમણિ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (પીએસજીપીસી)ની મુખ્ય સંસ્થા ઇવેક્યૂ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઇટીપીબી)ના ઇશારે તેઓને ઘરમાંથી બેદખલ કરવામાં આવ્યા.
- સિંહે કહ્યું, ઇટીપીબી 1975માં બન્યું. તેઓને શિરોમણિ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (એસજીપીસી)ની સાથે એક કરાર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનમાં રહેતા શીખો સાથે ગેરવર્તણૂંક ના થવી જોઇએ. તેમ છતાં અમને ઘરમાંતી કાઢી મુકવામાં આવ્યા.
- તેઓની પાસે કરોડો રૂપિયા આવે છે, પરંતુ અમે એક રૂપિયો પણ ખર્ચ નથી શખતા. હવે હું કોર્ટની અવમાનનો કેસ દાખલ કરીશ.
- તેઓએ એમ પણ કહ્યું, મારી સાથે ગુંડા જેવો વ્યવહાર કરવામાં આવ્યો. પરિવાર સહિત ઘરમાંથી બહાર કાઢીને ત્યાં તાળુ લગાવી દેવામાં આવ્યું.
- ઓફિસરોએ આ હરકત માત્ર કેટલાંક લોકોને ખુશ કરવા માટે કરી છે, ખાસ કરીને તેમના નિશાના પર હું હતો.
પાકિસ્તાનમાં શીખો પર અત્યાચાર થઇ રહ્યો છે
- ગુલાબને એસજીપીસી અને દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીને અપીલમાં કહ્યું કે, કાર્યવાહી અંગે તેઓ નિર્ણય કરે.
- સિંહનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. તેમાં તે પોતાના પરિવારની સાથે ઓફિસરો દ્વારા કરવામાં આવેલી ગેરવર્તણૂંક અંગે જણાવી રહ્યા છે.
- સિંહે આરોપ લગાવ્યો છે કે, આ ઘટના માટે પીએસજીપીસીના અધ્યક્ષ તારા સિંહ જવાબદાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુલાબ સિંહે બે વર્ષ પહેલાં તારા સિંહ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.