કઈંક નવું કરીએ અને આત્મનિર્ભર વ્યક્તિ, કુટુંબ, ગુજરાત, અને ભારત બનાવીએ: અર્જુનસિંહ ચૌહાણ
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થકી આત્મનિર્ભર બનતી મહિલાઓ
ગ્રામ્ય વિસ્તારની ગરીબ મહિલાઓને સંગઠિત કરી તેઓ આર્થિક, સામાજીક, કૌટુંબિક, શૈક્ષણિક તેમજ આરોગ્ય વિષયક ક્ષેત્રમાં વિકાસ તરફ આગળ વધે તે હેતુને ધ્યાનમાં રાખી સરકારશ્રી ધ્વારા અનેકવિધ યોજનાઓનું અમલીકરણ થઇ રહ્યુ છે, દિનદયાળ અંત્યોદય યોજનાના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત અનેક મહિલાઓ લાભ લઈને આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે. આ યોજના હેઠળ સ્વસહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જિલ્લા ગ્રામવિકાસ એજન્સી પાટણ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કન્વેશન હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં સ્વસહાય જૂથોને કેશ ક્રેડિટ આપવામાં આવી. આ કાર્યક્રમમાં જિલ્લાના 10 સ્વસહાય જૂથોને 13 લાખ રૂ.ની લોન આપવામાં આવી હતી. 10 સ્વસહાય જૂથોને કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં પાટણ જિલ્લાનાં હારીજ, રાધનપુર, ચાણસ્મા, સરસ્વતી, સિદ્ધપુર, સમી, અને શંખેશ્વરનો સમાવેશ થાય છે.
ગુજરાત લાઈવલીહુડ કંપની દ્વારા પાટણ જિલ્લામાં વર્ષ 2011માં શરૂ થયેલ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના મારફતે આજે અનેક જરૂરિયાતમંદ મહિલાઓ લાભ લઈને આર્થિક રીતે આત્મનિર્ભર બની છે. આ યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની મહિલાઓને પગભર કરવા માટે તેમને સ્વસહાય જૂથોમાં સંગઠિત કરીને તેઓને બેંકો સાથે જોડી વધુ ધિરાણ આપી એક સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કૌશલ્ય વર્ધન તાલીમ આપવામાં આવે છે. જેથી તેઓની આજીવીકામાં વધારો થાય. આ મુખ્ય ઉદેશ્યને ધ્યાનમાં રાખીને આયોજીત આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય મહેમાન એવાં ગ્રામ વિકાસ અને ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે લાભાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતુ કે, દેશનો જો વિકાસ કરવો હોય તો મહિલાઓનો વિકાસ થવો ખુબ જરૂરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર નાના બાળકથી લઈને દરેક વ્યક્તિની ચિંતા કરે છે. આજે આપણા રસોડામાં જે વાનગી ના હોય તે આંગણવાડીના બાળકો સુધી પહોંચતી થઈ છે. આ સરકાર માંગ્યા વગર આપતી સરકાર છે. સ્વસહાય જૂથો માટે સરકાર જે પ્રયત્નો કરે છે તે થકી કઈંક નવું કરીએ. આત્મનિર્ભર વ્યક્તિ, કુટુંબ, ગુજરાત, અને ભારત બનાવીએ. વધુમાં પોતાના ભાષણમાં મંત્રીશ્રીએ પદ્મશ્રી એવા દક્ષિણ ગુજરાતના રમીલાબેન ગામીતને યાદ કર્યા હતા. તદઉપરાંત સજીવખેતી માટે પ્રયત્નશીલ એવા નારીરત્ન પુરસ્કાર મેળવનાર ઊષાબેન રાઠવાને યાદ કરતા જણાવ્યું હતુ કે, આ મહિલાઓ પાસેથી પ્રેરણા લઇને દરેક મહિલા પોતાની અંદરની કાર્યક્ષમતાને ઓળખીને કંઈક નવું કરીને આત્મનિર્ભર બને તે જરૂરી છે.
જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી બેન મકવાણાએ જણાવ્યું હતુ કે, રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ મિશનનો ખુબ જ બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. જોતજોતામાં જ આપણા જિલ્લામાં ગ્રામ્ય કક્ષામાં 10 હજારથી વધુ મહિલાઓના સ્વસહાય જૂથની રચના થઈ ચુકી છે. આ સ્વસહાય જૂથો દ્વારા ધિરાણ કરવામાં આવે છે. સ્વસહાય જૂથોને અત્યાર સુધીમાં 5 કરોડ 57 લાખનું રિવોલ્વીંગ ફંડ સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યું છે. સ્વસહાય જૂથની બહેનો વધુ અસરકારક રીતે કામ કરી તેમની આજીવિકામાં વધારો કરે, સ્વાવલંબી બને તે હેતુસર સ્વસહાય જૂથોને રૂ.1 લાખથી 10 લાખ સુધીની કેશ ક્રેડીટ પણ ધિરાણ સ્વરૂપે આપવામાં આવે છે જેનું 100 ટકા વ્યાજ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સબસીડી રૂપે ચુકવવામાં આવે છે.
આ કાર્યક્રમમાં ચાણસ્માના ધારાસભ્ય દિલીપભાઈ ઠાકોરે લાભાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતુ કે ગ્રામીણ વિકાસને મજબૂત કરવો હોય તો મહિલાને મજબુત કરવી પડે. પરિવારને આત્મનિર્ભર બનાવવો હોય તો મહિલાઓને જવાબદારી સોંપવી પડે. વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે, રાજ્યમાં મહિલા સ્વસહાય જૂથોને નાણાંની જૂરૂરિયાત ઊભી થાય તો મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ કોઈપણ પ્રકારના જામીન વગર તેઓને લોન આપીને સરકાર જ જામીન બનવાનું ભગીરથ કાર્ય કરે છે. આવા ઉમદા કાર્યો થકી અનેક સ્વસહાય જૂથો આજે પગભર બન્યા છે.
કેશ ક્રેડિટ કાર્યક્રમ બાદ ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના માનનીય મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે વર્લ્ડ હેરીટેજમાં સ્થાન ધરાવતી અને પાટણની વૈશ્વિક ઓળખ રાણકી વાવની મુલાકાત લઈને ત્યાંની પ્રકૃતિને અને બેનમૂન નકશીકામની સુંદરતાને નિહાળી હતી.
સ્વસહાય જૂથોને કેશ ક્રેડિટ આપવા આયોજીત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાનુમતીબેન મકવાણા, ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર પૂર્વ મહામંત્રીશ્રી કે. સી. પટેલ, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ ઠાકોર, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજીભાઈ ઠાકોર, જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.