કમ્યુનિટી સરવેના બીજા તબક્કામાં આરોગ્ય વિભાગ દ્વારા તા.૩૧ માર્ચના રોજ ૨.૨૫ લાખથી વધુ લોકોનો સરવે
૫૦૦થી વધુ લોકોની મહોલ્લા ક્લિનીકના માધ્યમથી તપાસ, શેલ્ટર હૉમમાં આશ્રય મેળવનાર ૬૩ વ્યક્તિઓનું આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રિનીંગ કરવામાં આવ્યું
જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણની શક્યતાઓ પર અંકુશ લાવવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. પેરા મેડિકલ અને નોન પેરા મેડિકલ સ્ટાફની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સરવેના બીજા તબક્કામાં તા.૩૧ માર્ચના રોજ ૨.૨૫ લાખથી વધુ લોકોનો સરવે કરવામાં આવ્યો છે.
લોકડાઉનની સ્થિતિ વચ્ચે જિલ્લામાં શંકાસ્પદ કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિઓને આઈસોલેટ કરી તેમના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં શંકાસ્પદ કોરોના વાયરસ ટેસ્ટ કરવા માટે કુલ ૨૮ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં પ્રવેશેલા કુલ ૩૭૪ વિદેશી પ્રવાસીઓ પૈકી ૬૪ વિદેશી પ્રવાસીઓ હોમ કોરોન્ટાઈન તથા ૦૬ વિદેશી પ્રવાસીઓ સરકારી કોરોન્ટાઈન ફેસિલીટીમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે. જ્યારે ૩૦૪ વિદેશી પ્રવાસીઓએ ઓબ્ઝર્વેશનનો સમયગાળો પૂર્ણ કર્યો છે.
જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણના ફેલાવાની શક્યતાઓને ધ્યાને રાખી નાગરીકોના આરોગ્ય અને સ્વાસ્થ્યની સ્થિતિ પર નજર રાખવા આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા દૈનિક કમ્યુનિટી સરવેના બીજા તબક્કામાં આરોગ્ય વિભાગના પેરા મેડિકલ અને નોન પેરામેડિકલ સ્ટાફની ૧,૬૮૫ જેટલી ટીમ દ્વારા ટેકો પ્લસ એપ્લિકેશન આધારીત હાઉસ ટુ હાઉસ સરવેમાં તા.૩૧ માર્ચના રોજ ૪૭,૨૦૮ ઘરોની મુલાકાત લઈ ૨,૨૫,૪૩૬ લોકોને આવરી લેવામાં આવ્યા છે. જે પૈકી ખાંસી, તાવ અને શ્વાસની તકલીફ ધરાવતા ૧,૦૫૨ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી.
વધુમાં નાગરીકોને આરોગ્યલક્ષી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ થાય તે માટે પાટણ અને સિદ્ધપુર શહેરમાં શરૂ કરવામાં આવેલા ૧૨ જેટલા મહોલ્લા ક્લિનિકમાં ૫૭૩ જેટલા લોકોની પ્રાથમિક તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવી. સાથે સાથે જિલ્લામાં કાર્યરત કુલ ૪૪ શેલ્ટર હૉમ પૈકી રૂષા બોય્ઝ હોસ્ટેલ-પાટણ ખાતે ૨૨, ચિલ્ડ્રન હૉમ-પાલડી ખાતે ૩૪ અને ખીમાસર પ્રાથમિક શાળા- સાંતલપુર ખાતે ૦૭ મળી કુલ ૬૩ આશ્રિત વ્યક્તિઓની આરોગ્ય કર્મચારીઓ દ્વારા સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે.