અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે પાંચમો દિવસ છે. ઉપવાસના કારણે હાર્દિકની તબિયત લથડી છે અને હાર્દિક શારીરિક રીતે અશક્ત થયો છે. આજે હાર્દિક ઊઠીને ચાલી પણ શકતો નથી અને માંડ માંડ બોલી શકે છે.
હાર્દિક પટેલે આજે સવારે ઉઠીને ચાલવા પ્રયત્ન કર્યો હતો પણ લથડી ગયો હતો. હાર્દિક પટેલે 25 ઓગસ્ટથી બપોરે 3 વાગ્યાથી ઉપવાસ શરૂ કર્યા છે અને ડોક્ટરે તેને પ્રવાહી ખોરાક લેવાની સલાહ આપી છે. જો કે હાર્દિક કશું લેતો નથી તેથી તેની તબિયત લથડવાની શરૂઆત થઈ છે.
સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા મંગળવારે હાર્દિકની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ ડોક્ટરે કહ્યું કે, જો હાર્દિક ફ્રૂટ કે જ્યુસ નહીં લે તો તેની કિડનીને નુકસાન થઈ શકે છે. યુરિનના સેમ્પલને આધારે ડોક્ટરે તેને હોસ્પિટલાઈઝ્ડ થવાની સલાહ આપી હતી. મેડિકલ તપાસ દરમિયાન હાર્દિકનું રેન્ડમ બ્લડ સુગર 99 આવ્યું હતું. તેને 78 પલ્સ ,120/84 બ્લડ પ્રેસર છે, જ્યારે વજન 74.6 કિગ્રા હતા. યુરિન ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તેને લિક્વિડ વધારે લેવાની સલાહ આપવામાં આવી હતી.
હાર્દિકના ઉપવાસના સમર્થનમાં ચોથા દિવસે એનસીપીના પ્રફૂલ પટેલ તેના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં. તેમણે સરકારને આડેહાથ લઈ જણાવ્યું હતું કે, 2017ની ચૂંટણીમાં ગોળી સરકારના કાન પાસેથી નીકળી ગઈ છતાં સમજી નથી. હાર્દિક પટેલની માંગણી મુદ્દે સરકારે વાતચીત કરવી જોઈએ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ લાઈક કરો. — PTN News
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.