પાટણ – PATAN
ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામના જેસંગભાઈ ચૌધરીએ રર વર્ષ પૂર્વે હારીજ તાલુકાના જમણપુર ગામે આવેલી પાટણ પાંજરાપોળની ખેતીની જમીન વેચાણથી રાખી હતી.
આશરે ૧૧ર વિઘા કરોડોની કિંમતની જમીન તેઓએ ગતરોજ સ્વૈચ્છીક ભાવનાથી પાંજરાપોળને પરત કરી હતી. અને સાથે સાથે રૂા.૧૧ હજારનું રોકડ દાન પણ પાંજરાપોળને ઘાસચારા માટે આપવામાં આવ્યું હતું.
જેને પગલે પાંજરાપોળના સંચાલકોએ જેસંગભાઈ ચૌધરીનું શાલ અને શ્રીફળ થી સન્માન કરાયું હતું. જેસંગભાઈ ચૌધરી મહેસાણા દુધસાગર ડેરીના નિવૃત કર્મચારીએ હારીજ તાલુકાના જમણપુર ગામે આવેલી અને પાટણ પાંજરાપોળની ખેતીની આશરે ૧૬૦ વિઘા જમીન વિસનગર તાલુકાના દેણપ ગામના ભગવાનભાઈ રેવાભાઈ પટેલ પાસેથી ૧૯૯૮ માં અંદાજે રૂા. ૧૭ લાખમાં ખરીદી હતી.
જેમાં ચાણસ્મા ના બ્રાહમણવાડા ગામના પ્રેમજીભાઈ ફતાભાઈ ચૌધરી રપ પૈસાના ભાગીદાર હતા. ત્યારે ગુરુવારે જેસંગભાઈ ચૌધરીએ તેમના ભાગની આશરે ૧૧ર વિઘા જમીન પાટણ પાંજરાપોળને સ્વૈચ્છીક ભાવનાથી પરત કરી હતી.
જેને પગલે પાંજરાપોળના સંચાલક અને માનદ મંત્રી ધીરુભાઈ શાહ, કમલેશભાઈ શાહ, જયંતીભાઈ શાહ, જયેશ પટેલ, બળદેવભાઈ દેસાઈ સહીતનાઓએ જમીન દાન કરનાર જેસંગભાઈ ચૌધરી અને તેમની સાથે આવેલા અગ્રણી પાલોદર ગામના ખેંગારભાઈ દેસાઈ નું શાલ અને શ્રીફળથી સન્માન કરવામાં આવ્યું હતું.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.