ગુજરાતની અગ્રેસરતા પાછળ સાડા છ કરોડ ગુજરાતીઓનો નક્કર પુરુષાર્થ – મંત્રીશ્રી વાસણભાઈ આહિર

પાટણ ખાતે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન મંત્રીશ્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતીમાં ૭૨મા પ્રજાસત્તાક (Republic Day) પર્વની ઉમંગભેર ઉજવણી

• શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને સન્માનીત કરાયા
• રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડીઓ તથા પરેડમાં શ્રેષ્ઠ દેખાવ બદલ પ્લાટુન કમાન્ડર્સને પ્રમાણપત્ર એનાયત કરાયા

દેશના ૭૨ મા પ્રજાસત્તાક દિનની પાટણની જિલ્લા કક્ષાની ઉજવણીમાં પાટણ ખાતે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન મંત્રીશ્રી વાસણભાઈ આહિરે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. વિશ્વની સૌથી મોટી લોકશાહીના આ ગૌરવપર્વ નિમિત્તે આઝાદી સંગ્રામમાં પોતાના જીવનનું બલિદાન આપનાર અનેક ક્રાંતિવીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કરી જિલ્લાના તમામ નાગરીકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

વિકાસ માર્ગે સતત અને અવિરત આગળ વધવાની ગણતંત્ર દિવસના (Republic Day) પાવન પર્વે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં મંત્રીશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું કે, જન જનના સહયોગથી ભવ્ય અને દિવ્ય ગુજરાતના નિર્માણ માટે ઉત્તમથી સર્વોત્તમ તરફનુ પ્રયાણ ગુજરાતે આરંભ્યું છે. ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વંચિતો, ગરીબો સૌ કોઈના સર્વસમાવેશક વિકાસના આયામને આપણે સહુએ લક્ષ્યમાં રાખવાનો રહે. આજે આપણું ગુજરાત અનેક ક્ષેત્રે નંબર વન છે. આ અગ્રેસરતા પાછળ સાડા છ કરોડ ગુજરાતીઓનો નક્કર પુરુષાર્થ છે. ગુજરાતની વિકાસયાત્રાને વધુ બળવત્તર બનાવવા અને ગુજરાતના ખૂણેખૂણાના વિકાસ માટે અપણે સહુ આગળ આવીએ. દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરાર રાખવા માટે હૃદયપૂર્વક કટિબદ્ધ બનીએ.

ભારતીય બંધારણનું ગૌરવગાન કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે વિશિષ્ટ અને બેજોડ ભારતીય સંવિધાનની રચના કરીને દેશની એકતા, અખંડિતતા, સંપ્રભુતા અને વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. જેના પરિણામે આજે આપણે સૌ આઝાદ ભારતમાં વિકાસના મીઠા ફળ આરોગી શકીએ છીએ.

આઝાદી કાજે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને અંજલી આપતાં મંત્રીશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, આપણા દેશને ગુલામીની જંઝીરોમાંથી મુક્ત કરવા માટે આપણા સ્વતંત્ર્યવીરોએ ખભેખભા મિલાવીને આપણા દેશને આઝાદી અપાવી. દેશ આખો એક બનીને અંગ્રેજ સરકાર સામે લડ્યો અને જીત્યો. આજે ફરી એકવાર ગુજરાત સહિત સમગ્ર ભારત વર્ષે એની એકતાની શક્તિને દુનિયા સામે પ્રસ્તુત કરી છે. કોરોના નામનો અદ્રશ્ય દુશ્મન ભારત સહિત આખા વિશ્વને એનો ગુલામ બનાવવા માટે મથી રહ્યો છે ત્યારે આખા ગુજરાતે અને દેશે એક બનીને એની સામે મક્કમ મુકાબલો કર્યો છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, પરિણામે આજે કોરોનાથી મૃત્યુદરનું પ્રમાણ સતત ઘટતું જાય છે. કોરોનાનો શિકાર બનેલા આપણા વહાલા ગુજરાતી બાંધવો ફરી પાછા સ્વસ્થ થઈ રહ્યા છે. આપણા સહુના સહિયારા પુરૂષાર્થથી ગુજરાતનો રીકવરી રેટ છન્નું ટકાથી પણ વધારે છે એ જ બતાવી આપે છે કે, ગુજરાત અને દેશે એકમેક સાથે ખભે ખભા મિલાવીને કોરોના મહામારીનો કેવો મક્કમ મુકાબલો કર્યો છે.

મંત્રીશ્રી વાસણભાઈ આહિરે ઉમેર્યું કે, ગુજરાતના બાંધવો અને દેશવાસીઓને કોરોના સામે સુરક્ષિત રાખવા માટે દેશમાં સંશોધિત થયેલી આ રસીઓ સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ રીતે આપવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રત્યેક દેશવાસીઓને કોરોના સામે સુરક્ષિત રાખવાનું મજબૂત અને સુદ્રઢ આયોજન ગુજરાત સહિત સમગ્ર દેશમાં કરવામાં આવ્યું છે. આપણે સૌએ સાથે મળીને કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે બાથ ભીડીને એનો મક્કમ મુકાબલો કર્યો છે. આપણા સૌની મહેનતને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, સુપ્રિમ કોર્ટ, એઈમ્સના ડાયરેકટર, આઈઆઈએમ અમદાવાદ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ બિરદાવી છે.

પાટણના ભવ્ય ઈતિહાસનું વર્ણન કરી મંત્રીશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું કે, જિલ્લાની ઐતિહાસિક વિરાસતને સંપૂર્ણ ન્યાય મળે તે રીતે આજની પેઢીએ વિકાસવેગને જાળવી રાખ્યો છે. છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે તે માટે વિકાસલક્ષી અને કલ્યાણકારી કાર્યક્રમો થકી જિલ્લા પ્રશાસને સક્ષમ અને સફળ કામગીરી કરી બતાવી છે. વિકાસના પરિપ્રેક્ષ્યમાં પાટણ જિલ્લો ગુજરાતભરમાં પોતાનું આગવું સ્થાન મેળવી શક્યો છે તે માટે સતત પ્રયત્નશીલ જિલ્લા પ્રશાસન અભિનંદનને પાત્ર છે. કોરોના મહામારી સામે કોરોના વોરિયર્સ તેમજ કર્મયોગી મિત્રોએ કરેલ અદભૂત કામગીરી માટે પણ મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

આ વેળાએ આઝાદીની લડાઈમાં પોતાના પ્રાણોનું બલિદાન આપનારા પાટણ જિલ્લાના તથા દેશના તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કરી મંત્રીશ્રી વાસણભાઈ આહિરે સમારોહની પૂર્ણાહૂતિ બાદ વૃક્ષારોપણ કર્યું હતું.

પાટણના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક (Republic Day) પર્વની ઉજવણી પ્રસંગે શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમોનું સંયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પરંપરાગત નૃત્યો રજૂ કર્યા હતા. પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન્સ દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી. આ ઉપરાંત અશ્વદળના જવાનોએ સાહસભર્યા કરતબો સાથે પ્રેક્ષકોમાં અનેરૂં આકર્ષણ જમાવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી દ્વારા આરોગ્ય વિભાગ, મધ્યાહન ભોજન યોજના, નગરપાલિકા, વન વિભાગ તથા પોલીસ વિભાગમાં પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડીઓને મંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર તથા શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. સાથે સાથે પરેડમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્લાટુન્સને પણ સન્માનિત કરવામાં આવી.

ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, અધિક નિવાસી કલેક્ટરશ્રી બી.કે.જોશી તથા મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીગણ, કર્મચારીગણ, શાળાના આચાર્યો-શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન દ્વારા ઉપસ્થિત સૌએ લોકશાહીના આ મહાપર્વને ઉજાગર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024