પાટણ જિલ્લા પંચાયતના નવીન પ્રમુખ તરીકે ભાનુમતીબેન મકવાણા વિજેતા જાહેર કરાયા
જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ
૧૧-કોરડા બેઠક પરથી ચૂંટાયેલા શ્રી સાંકાજી ધુળાજી ઠાકોર જિલ્લા પંચાયતના નવીન ઉપપ્રમુખ
પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ બાદ આજે જિલ્લા પંચાયત ભવન ખાતે પ્રથમ બેઠક મળી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી.
ગત તા.૨૮ ફેબ્રુઆરીના રોજ પાટણ જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો માટે સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. તા.૦૨ માર્ચના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ આજે જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા પંચાયતના નવીન ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠક મળી હતી. જેમાં આ ચૂંટાયેલા સભ્યો દ્વારા પોતાનો મત આપી પાટણ જિલ્લા પંચાયતના નવીન પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી.
જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં જિલ્લા પંચાયતના ૩૨ ચૂંટાયેલા સભ્યો પૈકી ૨૧ સભ્યોએ મતાધિકાર દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી રીટાબેન પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાની જિલ્લા પંચાયતની ૦૨-બિલીયા બેઠક પરથી વિજેતા થયેલા સુશ્રી ભાનુમતીબેન વિજયકુમાર મકવાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બહુમતીથી ચૂંટી વિજેતા જાહેર કરવામાં આવ્યા. જ્યારે ૧૧-કોરડા બેઠક પરથી ચૂંટાયેલા શ્રી સાંકાજી ધુળાજી ઠાકોરને ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
