હાલ ગુજરાતમાં કોરોનાને પગલે સૌથી વધારે કેસ અને મોત નોંધાઈ રહ્યા છે. કોરોનામાંથી બહાર નીકળવા માટે દર્દીઓનું માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહે તો જરૂરી છે. કારણ કે કોરોનાથી પણ વધારે ખતરનાક તેનો ડર છે.
ડૉક્ટર્સ પણ કોરોના દર્દીઓનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે તે માટે અલગ અલગ પ્રયોગ કરતા રહે છે. આ જ કડીમાં અમદાવાદની એસવીપી હૉસ્પિટલ ખાતે ફરજ પરના ડૉક્ટર્સ દર્દીઓ માટે ગાયક બન્યા હતા!
અમદાવાદ શહેરની એસવીપી હૉસ્પિટલ ખાતે દર્દીઓનું મનોબળ વધે તે માટે ખુદ ડૉક્ટર પીપીઈ કીટ પહેરીને ગાયક બનીને આવ્યા હતા અને ગિટારના તાલે આવા હિન્દી ગીતો ગાયા હતા.
આ દરમિયાન અનેક દર્દીઓ ફરમાઈશ પણ કરવા લાગ્યા હતા. ડૉક્ટરે તેમને ફરમાઇશ પણ પૂરી કરી હતી. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ડૉક્ટર જ્યારે પીપીઈ કીટમાં હિન્દી ગીતો લલકારી રહ્યા છે ત્યારે દર્દીઓ પણ ગીતના તાલે ઝૂમી રહ્યા છે. આ ઉપરાંત તેઓ આ ક્ષણને પોતાના મોબાઇલમાં કેદ કરી રહ્યા છે. અમુક દર્દીઓની આંખો પણ છલકાઈ ગઈ હતી.