Patan – પાટણ શહેરના ટેલિફોન એકસચેન્જ રોડ ઉપર આ આવેલ ગુરુનગર સોસાયટીમાં છેલ્લા ચાર-પોચ દિવસથી પીવાનું પાણી અશુદ્ઘ આવતું હોવાથી આ વિસ્તારના તમામ રહીશો અશુદ્ઘ પાણીની ડોલ ભરી બહાર આવી પોતાનો આક્રોશ નગરપાલિકા તંત્ર ઉપર ઠાલવ્યો હતો અને અમને શુદ્ઘ પાણી આપો તેવા નારા લગાવ્યા હતા.
આ વિસ્તારની બહેનો એ જણાવ્યું હતું કે અમે નળ વેરો ભરીએ છીએ તો અમને શુદ્ઘ પાણીની પણ વ્યવસ્થા કરી આપવી જોઈએ. નગરપાલિકા તંત્રને અમે રજૂઆતો કરી હોવા છતાં અશુદ્ઘ પાણી જ હજુ આવે છે ભૂગર્ભ ગટરનું પાણી નળ કનેકશન સાથે ભળી જવાથી અમારા ઘરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અશુદ્ઘ પાણી આવી રહ્યું છે અમારે રસોઈમાં તથા નહાવા ધોવા માટે પાણી નો ઉપયોગ કેવી રીતે કરવો ? પાણી વેરો ભરીએ છીએ અમે અને આવા અશુદ્ઘ પાણી પીવાથી મોટો રોગચાળો ફાટી નીકળે
તો તેની જવાબદારી કોની? અમે ટેન્કર મંગાવીએ પરંતુ તેના પૈસા અમારે કાઢવા ક્યાંથી અમે સામાન્ય મધ્યમવર્ગના લોકો આવી કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી ધંધા-રોજગાર નથી તો અમારે પાણીના ટેન્કરના પૈસા કાઢવા ક્યાંથી તેવો બળાપો વ્યકત કર્યો હતો.
નગરપાલિકાના કોપ્રોરેટરો માત્ર વોટ લેવા માટે જ આવતા હોય છે. અને ચૂંટાયા બાદ તેઓ પોતાના વોર્ડ વિસ્તારમાં પ્રજાની ખબર અંતર પુછવા પણ આવતા ન હોવાથી આજે પ્રજાનું કોઈ કામ થતું નથી અને પ્રજા હેરાનગતિ ભોગવી રહી છે અને નગરપાલિકા નિંદ્રામાં સૂઈ રહી છે.
ટેલિફોન એકસચેન્જ રોડથી લીલીવાડી સુધીના રસ્તા ઉપર છેલ્લા ઘણા વર્ષોથી ગટર ઊભરાવાની પણ સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી જોવા મળી રહી હોવા છતાં પાલિકા તંત્ર મૌન સેવી તમાશો જોઈ રહયું છે. આ વિસ્તારના તમામ લોકોને આ ગંદા પાણીમાં થઇને રોજ નીકળવું પડે છે તો આ ભૂગર્ભ ગટરનો પણ પ્રશ્ન આજદીન સુધી રાજકીય આગેવાનો દવારા નગરપાલિકાની ચૂંટણી સમયે હથેળીમાં ચાંદ બતાવતાં હલ થવા પામ્યો ન હોવાના પણ સ્થાનિક રહીશો આક્ષોપો કરી રહયા છે.
તો અમારે હવે રજૂઆતો કોને કરવી નગરપાલિકા તંત્ર કંઈ સાંભળતું નથી આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કેમ થઈ રહ્યું છે તે સમજાતું નથી તેવું આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું. ભૂગર્ભના ગંદા પાણી પીવાના પાણી સાથે ભળવાથી આ દુષિત પાણી આવી રહ્યું છે તો આ અશુદ્ઘ પાણી નું નિરાકરણ તાત્કાલિક ધોરણે લાવવા નગરપાલિકા તંત્રને સ્થાનિક રહીશોએ માંગ કરી હતી.