




પાટણ રંગભવન હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ગાંધીસ્મૃતિ હોલ અને જાફરી સ્કૂલ અને નાડોદા વિદ્યાલય ખાતે કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક-પ્રવૃતિઓ ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી પાટણ દ્વારા ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા-ર૦૧૮ યોજવામાં આવી. જેમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય વ્યાસના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય વ્યાસે જણાવ્યું હતું કે, કલા એ જીવનનું એવું અંગ છે જેનાથી વ્યક્તિ કોઈપણ પરિસ્થિતિમાં ખુશ રહી શકે છે. કલાકારોની દુનિયા અનોખી હોય છે અને કલાકારો અલગારી હોય છે એમ જણાવી તેમણે કહ્યું કે આવા પ્લેટફોર્મ થકી બાળકો તેમનામાં રહેલી કલા અને પ્રતિભાની ખુલીને અભિવ્યક્તિ કરી શકે છે. તેમને બાળકોમાં રહેલ પ્રતિભાને પારખી તેને પ્રોત્સાહન આપવા વાલીઓને હિમાયત કરી હતી.
આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારીશ્રી વિરેન્દ્રભાઇ પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતુ કે, આ સ્પર્ધા ઉત્તર ઝોન કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ૧૦ જિલ્લાના અંદાજે ૪૫૦ જેટલા બાળકો સંગીત, કલા અને સાહિત્યના સમન્વયરૂપ જુદી જુદી ૧૩ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લઇ રહ્યા છે. ઝોન કક્ષાએ વિજેતાઓને રાજ્ય કક્ષાએ રમવા મોકલવામાં આવશે.
આ પ્રસંગે બાળ કલાકારો, ટીમ મેનેજરો, નિર્ણાયકો ઉપસ્થિત રહ્યા હતા.