પાટણ શહેર સહિત સમગ્ર જિૡામાં વણ ઉકેલાયેલા ચોરી, ધરફોડ ચોરી, વાહન ચોરી સહિતનાં મિલ્કત સંબધી સહિતના ગુનાહિત બનાવોના ભેદને ઉકેલવા ભુજ રેન્જ આઈજીની સુચના મુજબ જિલ્લાપોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લાની પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
ત્યારે રાધનપૂર પોલીસ દ્વારા ગતરોજ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા પાંચ શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે આબાદ ઝડપી લઇ જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂ કરી આગળની તજવીજ હાથ ધરી છે.
રાધનપૂર પોલીસ દ્વારા ઝડપાયેલા વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સોની વિસ્તૃત માહિતી આપતા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ જણાવ્યું હતું કે, પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વણ ઉકેલાયેલા ગુનાહિત બનાવોને ઉકેલવા પાટણ જિલ્લાની પોલીસને સુચના આપવામાં આવી હોય જે સૂચનાને અનુલક્ષીને રાધનપુર પોલીસ દ્વારા આવાં ગુનાઓના ભેદને ઉકેલવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને હયુમન ઇન્ટેલિજન્સની મદદ વડે વોચ ગોઠવી તેમજ અસરકારક વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી.
પોલીસની વોચમાં ગતરોજ વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા પાંચ શખ્સોને ઝડપી લઇ તેઓને પોલીસ મથકે લાવી પુછપરછ કરતાં તેઓએ પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારો માંથી અનેક વાહન ચોરી, મોબાઇલ ચોરી સહિતના ગુના આચર્યા હોવાની કબૂલાત કરતા પોલીસે તેઓની પાસેથી તમામ મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હોવાનું તેમજ અન્ય ગુનાઓમાં ઉપરોક્ત શખ્સો સંકળાયેલા છે કે કેમ તેની તપાસ માટે રિમાન્ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવનાર હોવાનું જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું.