રાજ્યમાં લાબા વિરામ બાદ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ત્યારે વલસાડમાં પણ મેઘરાજા ગાજવીજ સાથે વરસ્યા છે. સતત છેલ્લા 2 દિવસથી વલસાડમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેક જેટલી પાણીની આવક થઈ ગઈ છે. વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં અહીયા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 36 કલાકમાં હજું ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain)પડી શકે છે. તે આગાહીને અનુલક્ષીને મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું. કારણકે પહેલાથી 1 લાખ ક્યુંસેક જેટલું પાણી ડેમમાં હતું. જો પાણી છોડવામાં ન આવતું તો ડેમ ઓવરફ્લો પણ થઈ જતો.
સુરતમાં પણ મેઘરાજા ગત રાત્રીએ મન મુકીને વરસ્યા હતા. ગઈકાલે રાતે સુરત શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 8 ઈચ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઈ હતી. સાથેજ અમુક પરિવારોનું તો તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારોમાંથી રેસ્ક્યું પણ કરવામાં આવ્યું હતું.
દક્ષિણ ગુજરાત ભારે વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ તથા ડાંગ સહિતના જિલ્લાઓમાં સવારથી જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 સુધીમાં 47 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે.