રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શિક્ષકોની શિક્ષક સજજતા સર્વેક્ષણ પરીક્ષાનું સમગ્ર રાજયમાં આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે શિક્ષક સજજતા સર્વેક્ષણ પરીક્ષા અંગે શૈક્ષિક મહાસંઘે વિરોધ દર્શાવી પરીક્ષા ન લેવા સરકાર વિરુધ્ધ મોરચો પણ માંડયો હતો ત્યારે શિક્ષકોના સંઘોમાં જ આ પરીક્ષા આપવા અંગે વિવાદ સર્જાયો હતો તો કેટલાક સંઘો આ પરીક્ષા આપવાની તરફેણમાં જોવા મળ્યા હતા.
તો કેટલાક સંઘો આ પરીક્ષા ન યોજાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરાયા હતા. તેમ છતાં આજરોજ શિક્ષકોના સંઘોના વિરોધ વચ્ચે પણ સમગ્ર રાજયમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ૯૦ ટકા શિક્ષકો શિક્ષક સજજતા સર્વેક્ષણની પરીક્ષા આપવા ન આવતાં મહદઅંશે આ પરીક્ષાનો ફિયાસ્કો થયેલો જોવા મળ્યો હતો.
ત્યારે પાટણના સેન્ટરો પર શિક્ષક સજજતા સર્વેક્ષણ પરીક્ષામાં પાંખી હાજરીમાં શિક્ષકો પરીક્ષા આપતા જોવા મળ્યા હતા. શિક્ષક સજજતા સર્વેક્ષણની પરીક્ષા અંગે શૈક્ષિક મહાસંઘના ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં જે પ્રકારનો હાલ માહોલ છે તે જોતાં ૯૦ ટકા શિક્ષકો પરીક્ષામાં બેસવાના નથી ત્યારે જે પ્રકારની યુકિત-પ્રયુકિત અને કુનેહ વાપરી વધુમાં વધુ શિક્ષકોને પરીક્ષામાં બેસાડવાનો જે પ્રયત્ન થઈ રહયો છે
ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સફળતાને લઈ તાલુકા અને જિલ્લા મથકો પર ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું અને સરકારના શિક્ષણ વિભાગે જે બદઈરાદાથી આ કામ કયું છે તેની સામે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો ભવ્ય વિજય થયો છે તેની ઉજવણી કરવાની હોવાનું જણાવી આજના દિવસે રાજયભરના શિક્ષકો ઉપવાસ રાખવાનું જણાવી આગામી કોર કમિટીમાં પાંચમી સપ્ટેમ્બરના રોજ આવનાર શિક્ષક દિને શિક્ષકોનું સન્માન થનાર છે તે અંગે શું કરવું તે અંગેની ચર્ચા-વિચારણા કરી આગામી કાર્યક્રમ ઘડવાનું જણાવી પોતાની પ્રતિકિ્રયા વ્યકત કરી હતી.