પાટણ શહેરમાં ભૂગર્ભ ગટરો ચોકઅપ થવાની અને વારંવાર જાહેર માર્ગો પર ગટરો ઉભરાવાની સમસ્યા અંગે નગરપાલિકાના સત્તાધિશો અને જિલ્લા વહીવટી તંત્રએ સંકલન કરીને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા નિષ્ણાંતોની મદદ લઈને યોગ્ય પ્લાનિંગ કરી પગલાં લેવાની જરુરીયાત ઉભી થવા પામી છે.
રોજેરોજ ગટરો ઉભરાઈને તેના દૂષિત પાણી જાહેર માર્ગ પર પ્રસરવાથી બદબુ ફેલાવા ઉપરાંત લોકોનું આરોગ્ય બગડવાની પણ શક્યતાઓ રહેતી હોય એ માટે નક્કર પગલાં ભરાય તેવી વ્યાપક લોકમાંગ પ્રવતિ રહી છે. પાટણ શહેરના કર્મભૂમિ રોડ વિસ્તાર ભૂગર્ભ ગટરના પ્રશ્નને લઈને શહેરભરમાં જાણીતો બની ગયેલ છે.
આ વિસ્તારના રહીશો લાંબા સમયથી પ્રવતિ રહેલી આ સમસ્યાથી ત્રાહિમામ બની ગયેલ છે અને પાલિકાના સત્તાધિશો પણ આ માટે ચિંતિત રહ્યા છે પરંતુ કમનસીબે કોઈ કાયમી નિરાકરણ આવી શક્યું નહિ હોવાનો લોકોને ભારે રંજ છે .
હાલમાં કર્મભૂમિ રોડ વિસ્તારમાં ભૂગર્ભ ગટર તો ઉભરાય જ છે પરંતુ તેનૂ પાણી રોડ પર ન ફેલાય તે માટે કામચલાઉ રીતે રોડ તોડીને રસ્તાની સાઈડમાં એક કાચી નિક બનાવીને ભૂગર્ભ ગટરનું પાણી પાઇપલાઇન મારફતે ગુંગડીની કેનાલમાં નાખવામાં આવી રહ્યું હોઈ હવે આ કેનાલમાં ગંદુ પાણી ભરાવાની સમસ્યાથી આસપાસના લોકોને બદબુની સમસ્યા સતાવતી થઈ હોવાની બૂમ ઉઠવા પામી છે.
વળી, ભૂગર્ભ ગટરનું આ પાણી ગૂંગડીની કેનાલ મારફતે આનંદ સરોવરમાં જઈ રહ્યું હોય તેની સ્વચ્છતા અને સુંદરતાને પણ અસર પહોંચી રહી છે અને મોનીગ વોક માટે જતા લોકોને અહીં શુદ્ઘ હવાના બદલે બદબુની અનુભૂતિ કરવી પડતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.