ગુજરાત રાજ્ય ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા ગ્રંથપાલની ભરતી થાય તે માટે દરેક જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.અગાઉ પણ ૧૬મી ઓગસ્ટ ના રોજ ભાવનગરમાં અને ર૦મી ઓગસ્ટના રોજ મહેસાણામાં અને ર૮મી ઓગસ્ટના રોજ સુરતમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે ગતરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સામે આવેલ સિંધવાઈ માતા મંદિર ખાતે ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની ૩૬પ ગ્રાન્ટ ઇન-એઇડ કોલેજમાંથી ર૬૦ કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આ સાથે સાથે અનેક સરકારી કોલેજો,એન્જીનીયરીંગ કોલેજો, મેડિકલ કોલેજોમાં, માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માંગ કરી હતી અને મોટી સંખ્યામાં ગ્રંથાલય સાથે જોડાયેલા ઉમેદવાર ઉપસ્થિત રહી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.