પાટણ શહેરમાં ચાલી રહેલા વિકાસના કામોમાં કોન્ટ્રાકટરની અણઆવડત અને બેદરકારીનો આજે શહેરીજનો સહિત અબોલ પશુઓ ભોગ બની રહયા છે ત્યારે પાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલી પાંખના કોપોરેટરો સહિત ભૂગર્ભ ગટરના ચેરમેન દ્વારા આવા ચાલી રહેલા વિકાસના કામોના ખાતમુહર્ત કર્યાં બાદ તે કામો કઈ દિશામાં અને કેવી રીતે થઈ રહયા છે તેમાં કોઈ જ પ્રકારનો રસ ન દાખવતાં તેનો ભોગ શહેરીજનો બની રહયા છે
ત્યારે પાટણ શહેરના કાળી બજારના ઈબલાતવાડાથી ખાલકપુરા જોગણી માતાના મંદિર સુધી ભૂગર્ભની રાઈઝીંગ પાઈપ નાંખવાનું કામ ગત ભાજપની બોડીમાં મંજૂર થયું હતું જેનો લાભ નવીન બોડીના ભૂગર્ભ ચેરમેન જયેશ પટેલને મળતા તેઓ દ્વારા એક મહિના પૂર્વે ખાતમુહર્ત કરીને ભૂગર્ભની રાઈઝીંગ પાઈપ નાંખવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું પરંતુ નગરપાલિકાના કોન્ટ્રાકટર દ્વારા આ કામ ગોકળગતિએ કરાતાં આજદીન સુધી કામ પૂર્ણ કરવામાં આવેલ નથી અને વધુમાં રાઈઝીંગ પાઈપ નાંખવા માટે ખોદેલા ખાડાનું યોગ્ય પીચીંગ કરીને પુરાણ કરવામાં ન આવતા આજે આ વિસ્તારમાં ઠેર ઠેર ભુવાઓનું નિર્માણ પણ થવા પામ્યું હતું.
આ ભુવાઓ અને કોન્ટ્રાકટરની બેદરકારીનો ભોગ એક પાણી ભરેલુ ટેન્કર બનતાં તેની પાછળનું આખુ ટાયર ભુવામાં ગરકાવ થઈ જતાં મોટી જાનહાની થતાં ટળી હતી. તો કોન્ટ્રાકટર દ્વારા કાળીબજારના ઈબલાતવાડાના જાહેરમાર્ગ પર બે માથોળા જેટલો છેલ્લા ત્રણ દિવસથી ખાડો ખોદીને કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. એટલું જ નહીં આ ખાડો ખોદીયા બાદ પશુઓ કે લોકો તેનો ભોગ ન બને તે માટે દિશાસૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યા ન હતા.
ત્યારે આજરોજ પડેલા મુશળધાર વરસાદને પગલે આખા શહેરનું પાણી કાળીબજાર થઈને ખાન સરોવર તરફ જતું હોઈ કોન્ટ્રાકટર દ્વારા ખોદવામાં આવેલા બેમાથોળા ખાડામાં સમગ્ર વરસાદી પાણી ભરાતાં આજુબાજુના ગરીબ અને મધ્યમવર્ગના લોકોના મકાનમાં આ પાણી ઘુસી જતાં તેઓના મકાનો પડી જવાનો ભય પણ તેઓ સેવી રહયા છે ત્યારે તેઓના મકાનોને કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે કોઈપણ પ્રકારનું નુકશાન થશે તો તેની જવાબદારી કોની? તેવો પણ સ્થાનિક રહીશો પ્રશ્નાર્થ કરી રહયા છે.
ત્યારે કોન્ટ્રાકટર દ્વારા ખોદવામાં આવેલા ખાડા પાસે સ્ટ્રીટલાઈટનો વીજપોલ પણ ઉભો છે ત્યારે આ વીજપોલની સ્ટ્રીટલાઈટ પણ છેલ્લા ત્રણ દિવસથી બંધ હોઈ રાત્રીના સમયે આ વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિક રહીશો સહિત પશુઓને હાલાકીનો સામનો કરવો પડી રહયો છે ત્યારે આજરોજ પડેલા મુશળધાર વરસાદને પગલે ખાડામાં વરસાદી પાણી ભરાઈ જતાં ખાડો હોવાનું અનુમાન ન રહેતાં બે થી ત્રણ ઈસમો સહિત ત્રણ-ચાર ગૌમાતાઓ આ કોન્ટ્રાકટર દ્વારા ખોદવામાં આવેલા ખાડાનો ભોગ બન્યા હતા.
ત્યારે પીટીએન ન્યુઝના કેમેરામાં એક ગૌમાતા અહીંથી પસાર થતા કોન્ટ્રાકટર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં લાઈવ પડતાં કેમેરામાં કંડારાયા હતા પરંતુ આ ગૌમાતા ખાડામાં પડયા બાદ તરફડીયા મારી પોતાની તાકાતથી એકાએક બહાર આવી પોતાનો જીવ બચાવી આ વિસ્તારમાંથી પલાયન થઈ જતા જોવા મળ્યા હતા. આમ કોન્ટ્રાકટર દ્વારા કોઈપણ પ્રકારના ભય જનક દિશાસૂચક બોર્ડ લગાવવામાં ન આવતાં આજે શહેરીજનો તેનો ભોગ બની રહયા છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા આવતા જતા લોકોને આ ભયજનક વિસ્તાર હોઈ તેની ખબર પાડવા લાકડાના બંબુ અને વાંસ આડા કરવાની ફરજ પડી હતી.
આમ, પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર માત્ર એ.સી. ચેમ્બરોમાં બેસીને જ વહીવટ કરતા શહેરીજનો પાલિકાના વહીવટથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અને શહેરીજનોએ ભાજપને ખોબલે ખોબલે વોટ આપીને ૩૮ જેટલી માતબર સીટો આપીને જંગી બહુમતીથી જીતાડવાનો પણ શહેરીજનો તેઓના કામકાજથી અફસોસ કરી રહયા છે.