હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે આજે પશ્ચિમ આફ્રિકાના દેશ ઘાનાથી એક વિદ્યાર્થીએ કોમ્પ્યુટર સાયન્સમાં વધુ અભ્યાસ માટે પ્રવેશ લઈને આજે પાટણ યુનિવર્સિટી ખાતે આવી પહોંચતા કુલપતિ ડો. જે.જે. વોરા, રજીસ્ટાર ધર્મેન્દ્રં પટેલ, પરીક્ષા નિયામક મિતુલ દેલીયા સહિત યુનિવર્સિટના ઇન્ટરનેશનલ સેન્ટરના કો-ઓડીનેટર પ્રો. નિશિથ ધારૈયા દ્વારા ઘાનાના સુલે મહંમદ નામના વિદ્યાર્થીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ અંગે માહિતી આપતા કુલપતિ ડો.વોરાએ તેમજ ડો.નિશિથ ધારૈયા એ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએથી કુલ ચાર વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસક્રમ માટે આપણી યુનિવર્સિટીની પસંદગી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કોમ્પ્યુટર રિસર્ચનું ધોરણ અન્ય યુનિવર્સિટીઓ કરતા ખૂબ જ સારું લાગતા ઘાના, નેપાળ તેમજ અફઘાનિસ્તાનના બે મળી કુલ ચાર વિદ્યાર્થીઓ ફોરેનથી પાટણ યુનિવર્સિટી ખાતે વધુ અભ્યાસ માટે પ્રવેશ મેળવેલ છે.
આ વિદ્યાર્થીઓમાં ઘાનાના વિદ્યાર્થી સુલે મહંમદે કોમ્પ્યુટર સાયન્સમાં આફ્રિકાથી એમએસસી કર્યું છે અને વધુ અભ્યાસક્રમ માટે તેણે ભારતમાં અને ગુજરાતમાં પાટણ યુનિવર્સિટીની પસંદગી કરી છે.
આ ઉપરાંત નેપાળથી એક વિદ્યાર્થીએ એમબીએ માટે પાટણ યુનિવર્સિટીમાં પ્રવેશ રજીસ્ટર કરાવેલ છે. જ્યારે અફઘાનિસ્તાનના બે વિદ્યાર્થીઓને પણ પાટણ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સના અભ્યાસક્રમ માટે સેન્ટર ફાળવવામાં આવ્યું છે.
હાલમાં ઘાનાથી એક વિદ્યાર્થી પાટણ આવી ગયેલ છે અને આવતીકાલથી તેનો વિધિવત્ અભ્યાસક્રમ શરૂ થશે. આ વિદ્યાર્થી અહીં કોમ્પ્યુટર સાયન્સમાં ત્રણ થી પાંચ વર્ષ સુધી અભ્યાસ કરશે.
આ અંગે ઇન્ટરનેશનલ સેન્ટરના ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર કોઓડીનેટર પ્રો. ધારૈયાએ જણાવ્યું હતું કે ફોરેનથી અહીં અભ્યાસ કરવા માટે આવનાર વિદ્યાર્થીઓને ઈન્ટરનેશનલ કાઉન્સીલ ફોર કલ્ચરલ રિલેશન – દ્વારા ફી સહિતની તમામ સગવડ પુરી પાડવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફોરેનના ત્રણ વિદ્યાર્થીઓ આપણી યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશનનો અભ્યાસક્રમ કરવા માટે તૈયાર થયેલ છે જેમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી બીસીએનો અભ્યાસક્રમ પૂરો કરનાર અફઘાનિસ્તાનના બે વિદ્યાર્થીઓ ત્યાંની બદલાયેલી રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં પરત અફઘાનિસ્તાન જઈ શકે તેમ ન હોઇ ભારત સરકાર દ્વારા તેમને વધુ બે વર્ષ માટે અહીં ભણવા માટે સહકાર આપવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનના બંને વિદ્યાર્થીઓએ એમસીએ કરવા માટે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની પસંદગી કરેલ છે.
કુલપતિ ડો. વોરાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએથી વિદ્યાર્થીઓ ભણવા માટે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પસંદગી કરી રહ્યા છે તે બાબત ખૂબ જ ગૌરવરૂપ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે વિદેશમાંથી ચાર વિદ્યાર્થીઓ જુદા જુદા અભ્યાસક્રમ માટે પાટણ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા પસંદગી ઉતારી છે જેમાં ત્રણ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં અને એક વિદ્યાર્થી એમબીએમાં અભ્યાસક્રમ કરનાર હોવાનું જણાવ્યું હતું.