પાટણ શહેરમાં ભાદરવા સુદ આઠમ નિમીતે શહેરના અનુસુચિત જાતી સમાજની સમુહ ટોપલા ઉજાણીના ત્રિદિવસીય પર્વનો પ્રારંભ થયો હતો.
પાટણ શહેરમાં વિવિધ મહોલ્લાઓમાં વસતા અનુસુચીત જાતી પૈકી વણકર અને રોહીત સમાજની ટોપલા ઉજાણી અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાથી વાજતે ગાજતે વડીલો અને સમાજના સૌ ભાઈઓ બહેનો નીકળ્યા હતા. જેમાં બહેનો નવા વસ્ત્રો ધારણ કરીને માથે ટોપલા ઉપાડીને સમુહમાં ઉમંગભેર નીકળ્યા હતા.
અને વર્ષોથી નિયમ કરેલ સ્થળે જઈ પરંપરાગત રીતે શ્રધ્ધા ભકિત સાથે માતાજીના કરવટા રુપે સાથે લઈ ગયેલ નૈવેધ ધરી તમામ પ્રસાદ સ્થળ ઉપર એકઠો કરી ગરીબ અને જરુરીયાત મંદ વ્યકતીઓને વહેંચી દેવામાં આવ્યો હતો. તો ઉજાણીના સ્થળે પહોંચીને બહેનો ઢોલના તાલે ગરબે રમ્યા હતા અને લોકોએ ખાણી પીણીની મજા લઈ ઉજાણીનો આનંદ માણ્યો હતો. પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં એકસમાન રીતે ટોપલા ઉજાણી ઉજવાય છે.
જેમાં પ્રથમ બે દિવસ સૌ સાથે ઘરેથી નિકળીને નિયત કરેલ સ્થળે જાય છે. જયારે ત્રિજા દિવસે મહોલ્લાઓમાં હવન કરીને ઉજાણી સંપન્ન થાય છે. દલીત સમાજની આ સમુહ ટોપલા ઉજાણીનું ધાર્મિક ઉપરાંત સામાજીક રીતે પણ મોટુ માહાત્મય રહયું છે. અને ઉજાણીમા ટોપલો ઉપાડવાનું પણ બહેનો ગૌરવ અનુભવે છે.