કોરોના વેકિ્સનેશન મેગા અંતર્ગત રસીકરણનો વ્યાપ વધે અને બાકી રહેલા નાગરિકોને આવરી લેવામાં આવે તે માટે સમગ્ર જિલ્લામાં જનજાગૃતિ અને વેકિ્સનેશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પાટણ તાલુકાના કમલીવાડા ખાતે ગામના સરપંચ સહિતના આગેવાનોઅને આરોગ્યકર્મીઓએ જનજાગૃતિ માટે પરંપરાગત માધ્યમ એવા ઢોલના ઉપયોગનો અનોખો પ્રયોગ કર્યો હતો.
કોરોના વાયરસ સામે લડવા રસીકરણ જ એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય છે. રસી ઉપલબ્ધ બની ત્યારે તેની અસરકારકતા અંગે શંકા, અનેક અફવાઓ અને ડર હતો. પરંતુ છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા વેકિ્સનેશન પ્રોગ્રામ અને કોવિડના કેસોમાં ઘટાડાના પરિણામે રસીકરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવી છે. તેમ છતાં હજી ઘણા નાગરિકો રસીકરણથી વિમુખ રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા વેકિ્સનેશન મેગા કેમપેઇન અંતર્ગત પાટણ જિલ્લાના કમલીવાડા ખાતે રસીકરણ અંગે જનજાગૃતિ કેળવવા ડોર-ટુ-ડોર અવેરનેસ માટે ઢોલીને સાથે રાખવામાં આવ્યો હતો.
આ અંગે વાત કરતાં આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ગૌરીબેન સોલંકીએ જણાવ્યંક કે, સવારથી જ ગામના લોકોમાં રસીકરણનો ઉત્સાહ હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ રસી પણ મુકાવી. પરંતુ કેટલાક પરિવારો એવા હતા જેમને રસી લેવાની બાકી હોય અને વેકિ્સનેશન સેન્ટર પર જઈ રસી લેવા તૈયાર ન હોય. અમારી ટીમ દ્વારા તેમના ઘરે જઈ ઢોલ વગાડી રસીકરણ બાબતે જાગૃત કરી પોતાની અને પરિવારની સુરક્ષા માટે રસી લેવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉના સમયમાં રાજાઓ દ્વારા કોઈ સંદેશ કે હુકમ ઢંઢેરો પીટાવી પ્રજાજનો સુધી પહોંચાડવામાં આવતો. ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત એવી આ પ્રથા વધુ ઉપયોગી પુરવાર થતી હોય છે ત્યારે નોડલ અધિકારી તરીકે નિમાયેલા આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર મતી ગૌરીબેન સોલંકી, કમલીવાડા ગામના સરપંચ, ગામના આગેવાનો તથા આરોગ્યકર્મીઓએ ઢોલીને સાથે રાખી રસીકરણથી વંચિત લોકો રસી લે તે માટે અનુરોધ કર્યાં હતો.