પાટણ (Patan) શહેરનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહયો છે ત્યારે વર્ષો પૂર્વે પાટણ શહેરના મોતીશા દરવાજા (Motisha Darwaja) બહાર એકપણ રહેણાંક વિસ્તાર ન હોવાના કારણે તંત્ર દ્વારા મૃત ઢોરોનો વ્યવસાય કરતાં લોકોને જગ્યા ફાળવવામાં આવી હતી. પરંતુ પાટણનો દિન પ્રતિદિન વિકાસ થતાં મોતીશા દરવાજા બહાર અનેક સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોનો વ્યાપ વધતાં આ વિસ્તારમાં ચર્મકુંડ હોવાથી અસહય દુર્ગંધ સાથે સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહયા હતા.
Patan : ચર્મકુંડ માટે બીજી જગ્યા ફાડવામાં આવી હતી
જે તે સમયના નગરપાલિકાના (Nagar Palika) પ્રમુખ હેમંત તન્ના અને પૂર્વ સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈ સહિત વોર્ડ નં.૯ના કોપોરેટર ડો.નરેશ દવેના અથાક પ્રયત્નોથી પાલિકાની સામાન્ય સભામાં આ ચર્મકુંડ ખસેડવાનો ઠરાવ પસાર કરી કલેકટર પાસેથી માખણીયા પાસેની જગ્યા ચર્મકુંડ માટે ફાળવી આપવામાં આવી હતી.
ત્યારબાદ ૧૪માં નાણાપંચની અંદાજીત દશ લાખની ગ્રાન્ટમાંથી મૃત ઢોરોના ચીરફાડ માટે ચર્મકુંડ પણ બનાવવામાં આવ્યો હતો. પરંતુ ચર્મકુંડ બનતો હતો તે સમયે નગરપાલિકાના ચીફ ઓફિસર અને એસ.આઈ.ની અણઆવડત અને બેદરકારીને લઈ ચોમાસા દરમ્યાન માખણીયામાં ચર્મકુંડ જવાના માર્ગ પર જ કચરો ઠાલવી દેવામાં આવતાં આ રસ્તો બંધ થઈ જવાના કારણે ચર્મકુંડનું કામ રોકાઈ જવા પામ્યું હતું. તેજ રીતે આજેપણ ચર્મકુંડ જવાના માર્ગ પર ચીફ ઓફિસર અને એસ.આઈ.ની અણઆવડત અને બેદરકારીને લઈ તમામ છોટાહાથી અને ટ્રેકટરો વાળા શહેરમાંથી લાવતા તમામ ઘનકચરાને રોડપર જ ઠાલવી દેતાં મૃત ઢોર ચર્મકુંડમાં લઈ જવાનો રસ્તો બંધ થઈ જવા પામ્યો છે.
Patan : મૃત ઢોરોની ચીરફાડ થતાં ઘરે ઘરે માંદગીના ખાટલા પણ ખડકાયા
મૃત ઢોરોની ચીરફાડ કરતાં લોકોને ચર્મકુંડમાં આવવા જવાની જગ્યા બંધ થઈ જતાં ફરીથી એકવાર મોતીશા દરવાજા બહાર ચર્મકુંડમાં મૃત ઢોર લાવી ત્યાં ચીરફાડ કરતાં સ્થાનિક લોકોમાં પાલિકાની બેદરકારીને લઈ રોષ પણ જોવા મળી રહયો છે અને વધુમાં મોતીશા દરવાજા બહાર ફરીથી એકવાર મૃત ઢોરોની ચીરફાડ શરુ કરાતાં સમગ્ર રહેણાંક વિસ્તારના રહીશો ચોમાસા દરમ્યાન અસહય દુર્ગંધ મારતી હોવાના કારણે રોગચાળાની ભીતિ સેવી રહયા છે અને છેલ્લા બે દિવસથી મૃત ઢોરોની ચીરફાડ થતાં ઘરે ઘરે માંદગીના ખાટલા પણ ખડકાયા હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું.
તો આ અંગે વોર્ડ નં.૯ના કોપોરેટર ડો.નરેશ દવેએ જણાવ્યું હતું કે માખણીયા ખાતે બનાવવામાં આવેલા ચર્મકુંડના આવવા જવાના માર્ગ પર પાલિકાના કર્મચારીઓ દ્વારા શહેરનો ઘનકચરો ઠાલવી દેતાં ચીરફાડ માટે આવતાં મૃત ઢોરોને લઈ જવાનો રસ્તો બંધ થઈ જતાં નાછૂટકે મૃત ઢોરોનો ચીરફાડ કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ફરી એકવાર મોતીશા દરવાજા બહાર ઢોરોની ચીરફાડ કરવાની ફરજ પડી રહી છે.
જેથી પાલિકાના ચીફ ઓફિસર અને એસ.આઈ. દ્વારા શહેરીજનોની સુખાકારી માટે અને કોઈ રોગચાળો ન ફેલાય તે માટે ચર્મકુંડના રસ્તાની સફાઈ હાથ ધરી તેઓનો રસ્તો ખુલ્લો કરી આપવાની માંગ કરી હતી.