ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે તાજેતરમાં ગાયના મુદ્દાને લઈને કરેલું નિવેદન વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ બની જવા પામ્યું છે અને પ્રદેશ ભાજપ પ્રમુખના આ નિવેદનથી માલધારી સમાજની લાગણી દુભાતા આ અંગે પાટણ જિલ્લા માલધારી સેલના ઉપક્રમે પાટણ જિલ્લા કલેકટર સુપ્રીતસિંહ ગુલાટીને આવેદનપત્ર આપીને તેમની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે,૧લી ઓક્ટોબરના રોજ અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં ઉદ્યોગપતિઓની મિટિંગમાં સી.આર.પાટીલ દ્વારા એવું નિવેદન કયું કે આઠ દિવસની અંદર શહેરમાં ગાયો ના દેખાવી જોઈએ એવો નિર્ણય કરેલ છે. તેમના આ નિવેદનથી માલધારી સમાજની લાગણીને ઠેસ પહોંચી છે તેમજ માલધારી સમાજની રોજી-રોટી છીનવવાની વાત કરી છે જેથી સી.આર.પાટીલે માલધારી સમાજની માફી માગવી જોઈએ.
તેમણે વધુમાં માગણી કરી હતી કે મહાનગરોમાં વસતા માલધારીઓ તેમજ ગાયો માટે અલગથી જમીન ફાળવવામાં આવે, ગૌચરની જમીન ઉદ્યોગપતિને આપવાનું બંધ કરવામાં આવે, ગૌચરની જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવે, ગામડાઓમાં વાડાની જમીન ફાળવવામાં આવે તેમજ સરકારની રહેમરાહે ચાલતા કતલખાનાઓ બંધ કરવામાં આવે તેવી માંગણીઓ સરકાર પૂરી કરે તો ગાયો રોડ ઉપર નહીં આવે.
પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું નિવેદન અયોગ્ય હોઈ માલધારી સમાજની માફી આ શબ્દો પાછા ખેંચીને માગે અને સમાજના પ્રશ્નો હલ કરે નહીંતર આવનાર સમયમાં ગાયો સાથે માલધારી સમાજ પણ રોડ ઉપર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.