પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના હસ્તે પાટણના પ્રગતિ મેદાન ખાતે પ્રાદેશિક મેળાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વિવિધ વસ્તુઓના વેચાણ માટે આગામી તા.૩૦ ઓક્ટોબર સુધી પ્રાદેશિક મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના હસ્તે પાટણના પ્રગતિ મેદાન ખાતે પ્રાદેશિક મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સ્વ સહાય જૂથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત હાથ બનાવટની વસ્તુઓને યોગ્ય બજાર મળી રહે અને દિવાળીના તહેવારો પ્રસંગે નાગરિકોને શુદ્ઘ અને સાત્વિક ખાદ્યસામગ્રીઓ તથા હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ મળી રહે તે હેતુથી તા.ર૬ ઓક્ટોબરથી તા.૩૦ ઓક્ટોબર, ર૦ર૧ સુધી પાંચ દિવસીય પ્રાદેશિક મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, અહીં રપ જેટલા સખી મંડળ દ્વારા મોડર્ન અને ટ્રેડિશનલ પહેરવેશ અને હાથ બનાવટ જેવી વિવિધ વસ્તુઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. શહેરીજનો આ પ્રાદેશિક મેળામાંથી ખરીદી કરી શકશે, જેના કારણે સખી મંડળની મહિલાઓને આર્થિક મદદ મળશે.
પ્રાદેશિક મેળા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્ટોલમાં વેચાણ માટે પ્રદર્શિત કરવામાં આવેલી વસ્તુઓનું નિરિક્ષણ કરી જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ વિવિધ સખી મંડળની મહિલાઓ સાથે સંવાદ કરી તેમની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી.
આ પ્રાદેશિક મેળામાં વિવિધ સખી મંડળો દ્વારા પેચ વર્કના કુર્તા, ડ્રેસ મટીરીયલ, બેડશીટ, ટી-શર્ટ, સાડી, ભરતગૂંથણની વસ્તુઓ, લેડીઝ પર્સ, થેલા, શોપીગ બેગ, કટલરી જેવી જરૂરી વસ્તુઓ, માટીના ઝુમ્મર, કુંજા, શો-પીસ, તોરણ, હિંચકા જેવી સજાવટની સામગ્રી, ખાખરા, પાપડ, મઠીયા, ગાંઠીયા, મુખવાસ, પાટણના પ્રખ્યાત દેવડા, મોહનથાળ, હલવો જેવી મીઠાઈઓ સહિતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. શહેરીજનોએ આ પ્રાદેશિક મેળાનો લાભ લેવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.