પાટણ શહેરમાં પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે સહિતની પડતર માંગણીઓને લઈને પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા ભદ્ર પોલીસ લાઈન થી લઈને બગવાડા દરવાજા સુધી થાળી વેલણ લઈને રેલી કાઢીને વિરોધ કરવામાં આવ્યો હતો.
આ મામલે જિલ્લા પોલીસતંત્ર દ્વારા ત્રણેક પોલીસ કર્મચારીઓને તેમના દ્વારા મહિલાઓને ઉશ્કેરવામાં આવી હોવાની શંકા રાખી તેમના જવાબો લેવા માટે ડીએસપી ઓફીસ ખાતે બોલાવવામાં આવ્યા હતા.તે વખતે ડીવાયએસપી હેડક્વાર્ટરે સોનારાએ પોલીસ કર્મચારી સાથે અસભ્ય વાણીનો ઉપયોગ કરતાં પોલીસ કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.જેને પગલે પ૦ થી વધુ પોલીસ કર્મચારીઓ ડીએસપી ઓફીસના મુખ્ય ગેટ વચ્ચે જ પોતાનો વિરોધ નોંધાવતા ધરણા ઉપર બેસી ગયા હતા.
જેને લઈ પોલીસ બેડામાં હોબાળો મચી ગયો હતો.ત્યારબાદ સિદ્ઘપુર ડીવાયએસપી સી.એલ.સોલંકીએ આવી પોલીસ કર્મચારીઓની રજૂઆતો સાંભળી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.પોલિસકર્મીઓ ડીવાયએસપી હેડ ક્વાર્ટરે અસભ્ય વર્તન કર્યું હોય તેમને માફી માંગવા રજૂઆત કરી હતી.
એસપીએ તેમની રજૂઆત ડીજી ઓફીસ સુધી પહોંચાડવાનું આશ્વાસન આપતા પોલિસ કર્મચારીઓએ તેમના ધરણામાંથી ઉભા થઇ ગયા હતા.મોડી રાત્રે શહેરના સિદ્ઘપુર ચાર રસ્તા પર પોલીસ કર્મચારીઓ અને પરિવારની મહિલાઓએ હમારી માંગે પુરી કરો વંદેમાતરમ ભારત માતાકી જયના સૂત્રોચાર સાથે ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતાં પોલીસ અધિકારીઓએ આવી સૂત્રોચાર કરી રહેલા લોકોને સ્થળ પરથી રવાના કર્યા હતા.
તો વિરોધ કરી રહેલાં પોલીસ કર્મીઓની સાથે આમ આદમી પાર્ટીના નવીન પાટણ શહેર પ્રમુખ દેવેન્દ્ર પટેલે પોતાના કાર્યકરો સાથે આવીને તેઓને સમર્થન જાહેર કર્યું હતું અને કોઈપણ બિન રાજકીય સ્વાર્થ વગર પોલીસ કર્મીઓ રાત દિવસ જોયા વગર પોતાની ફરજ બજાવતા હોય છે ત્યારે તેઓને સરકાર દવારા વહેલી તકે ગ્રેડ-પે સહિતની વિવિધ માંગણીઓ સ્વીકારવા માંગ કરી હતી.