દિવાળી(Diwali)નો માહોલ જામ્યો છે ત્યારે કેટલાંક લોકો ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું પસંદ કરતા હોય છે. ખાસ કરીને ગુજરાતીઓ અંબાજી(Ambaji) ધામના દર્શન કરવાનું પસંદ કરતા હોય છે. દિવાળીના તહેવારને લઈને અંબાજી ટ્રસ્ટ દ્વારા મહત્વના સમાચાર સામે આવ્યા છે. મંદિરની આરતી અને દર્શનના સમયમાં કેટલાંક ફેરફાર કરવામા આવ્યા છે.
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે એક અખબારી યાદી બહાર પાડી છે. આ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, દિવાળીના તહેવારો હોવાથી બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી મંદિરની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી ધામે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓની સગવડ માટે આરતી અને દર્શનના સમય(darshan time)માં ફેરફાર કરવામાં આવ્યો છે. કારણ કે આ સમયગાળા દરમિયાન હજારો-લાખો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે.
5 નવેમ્બર – બેસતા વર્ષના દિવસે આરતી-દર્શનનો સમય
ટ્રસ્ટે જાહેર કરેલી યાદી મુજબ, આગામી 5 નવેમ્બર એટલે કે બેસતા વર્ષના દિવસે મંદિરમાં સવારે 6 વાગે આરતી યોજાશે. આરતી 6.30 વાગે પૂર્ણ થયા બાદ ભાવિક ભક્તો માટે મંદિરના દર્શન ખુલ્લા મૂકાશે. આ સિવાય બેસતા વર્ષે બપોરે 12 વાગે રાજભોગ યોજાશે. એ પછી અન્નકૂટ આરતી બપોરે 12:15 વાગે યોજાશે. 12:30 વાગે અન્નકૂટ આરતી પૂર્ણ થયા બાદ ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકાશે, જે 4:15 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. પછી સાંજના સમયે 6:30 વાગે આરતી યોજાશે.
એ પછી ભક્તો માટે મંદિર 7 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી દર્શન માટે ખૂલ્લુ મૂકાશે.
6 નવેમ્બર – ભાઈબીજના દિવસે આરતી-દર્શનનો સમય
6 નવેમ્બર એટલે કે ભાઈબીજના દિવસે સવારે 6:30 વાગે આરતી યોજાશે. સવારે 7 થી 11:30 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે 12 વાગે રાજભોગ યોજાશે. 12:30 થી 4:15 સુધી મંદિરના દર્શન કરી શકાશે. સાંજે 6:30 વાગે ફરી મંદિરમાં આરતી યોજાશે. એ પછી સાંજના 7 થી 11 વાગ્યા સુધી ભક્તો મંદિરના દર્શન કરી શકશે. આ ક્રમ લાભ પાંચમ સુધી જળવાઈ રહેશે.
10 નવેમ્બરથી આરતી-દર્શનનો સમય
લાભ પાંચમ બાદ એટલે કે 10 નવેમ્બરથી દર્શનના સમયમાં કેટલોક ફેરફાર કરવામાં આવ્યો છે. 10 નવેમ્બરથી મંદિરમાં સવારે 7:30 વાગે આરતી થશે. સવારના 8 વાગ્યાથી 11:30 કલાક સુધી દર્શન કરી શકાશે. બપોરે 12 વાગે રાજભોગ ધરાશે. 12:30 થી 4:15 સુધી મંદિરના દર્શન કરી શકાશે. સાંજની આરતી 6:30 વાગે યોજાશે. પછી માતાજીના દર્શન માત્ર 9 વાગ્યા સુધી કરી શકાશે.