- નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સિદ્ધિ સરોવરની ફરતે ઉગી નીકળેલા જાડી ઝાંખરા અને ગંદકીને દુર કરવાની કામગીરી હાથ ધરાય..
ઐતિહાસિક નગરી પાટણ શહેરને સાચા અર્થમાં ઐતિહાસિક ધરોહર તરીકે વિકસાવવા પુરાતત્વ ખાતાની સાથે સાથે પાલિકા તંત્રે પણ કમર કસી છે ત્યારે પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પાટણ શહેરના સિદ્ધિ સરોવરને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
પાટણ નગરપાલિકાના પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ અને વોટર વર્કસ શાખાના ચેરમેન દીક્ષિતભાઈ પટેલ દ્વારા નગરપાલિકાના સફાઇ કામદારો અને માળી કામદારો મળી કુલ ૧૫ જેટલા સ્ટાફને છેલ્લા ત્રણ દિવસથી સિદ્ધિ સરોવરની ફરતે ઊગી નીકળેલા ઝાડી ઝાંખરા અને ગંદકીને દૂર કરવાની કામગીરી સોંપવામાં આવી છે જે કામગીરી હજુ ૧૦ દિવસ સુધી ચાલુ રહેશે ત્યારબાદ સિદ્ધિ સરોવરની ફરતે બનાવવામાં આવેલ પગથીયાઓની સફાઈ કામગીરી સહિત સરોવર ની અંદર રહેલી લીલ તેમજ ગંદકીને દુર કરી સિદ્ધિ સરોવરને એક પર્યટક સ્થળ તરીકે આયોજન બદ્ધ રીતે વિકસાવવામાં આવનાર હોવાનું વોટર વર્કસ શાખાના ચેરમેન દીક્ષિત ભાઈ પટેલે જણાવ્યું હતું.
પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલ દ્વારા જે રીતે શહેરના મધ્યમાં આવેલ ગુંગડી તળાવ નો વિકાસ કરી આનંદ સરોવર તરીકે પર્યટક સ્થળ બનાવ્યું છે તેમ પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરના સિદ્ધી સરોવર નો પણ પર્યટક સ્થળ તરીકે ટૂંક સમયમાં વિકાસ કરવામાં આવનાર હોવાનું પાલિકાના સત્તાધીશો એ જણાવ્યું હતું.