- જંગરાલ તથા કાકોશી સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કુલ ૧૦૦૦ એલ.પી.એમ.ની ક્ષમતા ધરાવતા પી.એસ.એ. પ્લાન્ટનું લોકાર્પણ
કોરોના વાયરસના સંક્રમણની ઝડપ વધી રહી છે ત્યારે જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થાય તે માટે સિદ્ધપુરના ધારાસભ્યશ્રી ચંદનજી ઠાકોર સહિતના મહાનુભાવોના હસ્તે જંગરાલ અને કાકોશી સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું.

જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોના વાયરસની ત્રીજી લહેરમાં સંક્રમણને નિયંત્રીત કરી શકાય તથા સંક્રમિત થયેલા દર્દીઓને સત્વરે સારવાર ઉપલબ્ધ થાય તે માટે અસરદાર આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સરસ્વતી તાલુકાના જંગરાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૫૦૦ એલ.પી.એમ. તથા સિદ્ધપુર તાલુકાના કાકોશી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૫૦૦ એલ.પી.એમ. મળી પ્રતિ મિનિટ કુલ ૧૦૦૦ લીટર ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા ધરાવતા પ્લાન્ટના લોકાર્પણથી કોવિડના દર્દીઓને સઘન સારવાર માટે પૂરતો ઓક્સિજનનો જથ્થો ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે પ્રદેશ સંગઠનના ઉપપ્રમુખશ્રી નંદાજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતાશ્રી અશ્વિનભાઈ પટેલ સહિતના હોદ્દેદારો, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.દિવ્યેશભાઈ પટેલ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.