યુવાનો મતદાતા તરીકે નોંધણી કરાવી લોકશાહી પ્રક્રિયાને મજબુત બનાવે – જિલ્લા ચૂંટણી અધિકારી
દાહોદ જિલ્લા સેવા સદનનાં સરદાર પટેલ સભાખંડ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ અંગે રાજ્ય કક્ષાએ યોજાયેલા વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી સહિતના અધિકારીઓ અહીંથી સહભાગી થયા હતા. કાર્યક્રમમાં જિલ્લામાં મતદાતા નોંધણી સંદર્ભે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ વધુમાં વધુ મતદાતાઓને ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે જે યુવાનો ૧૮ વર્ષના થઇ ગયા છે તેમણે મતદાતા તરીકે નોંધણી કરાવીને લોકશાહી પ્રક્રિયાને મજબુત બનાવવા માટે પોતાનું યોગદાન આપવા જણાવ્યું હતું.
નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાએ પણ લોકો ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થાય એ માટે જાગૃકતા આણવાની વાત જણાવી હતી. મદદનીશ પોલીસ અધિક્ષક વિજયસિંગે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓએ મતદાતા નોંધણી સંદર્ભે શ્રેષ્ઠ કામગીરી કરનારા દેવગઢ બારીયાના પ્રાંત અધિકારી (ઇ.આર.ઓ.) જ્યોતિબા ગોહિલ, ઝાલોદના મામલતદાર (એ.ઇ.આર.ઓ.) જે.વી. પાંડવ, શ્રેષ્ઠ નાયબ મામલતદાર -મતદારયાદી વિજયભાઇ સોમજીભાઇ, શ્રેષ્ઠ બીએલઓ તરીકે ચિરાગ પંચાલ, મતદાર સાક્ષરતા ક્લબ તરીકે ભરતકુમાર સહિતના કર્મયોગીઓનું પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરાયું હતું. જિલ્લામાં મતદાન જાગૃતિ માટે કામગીરી કરનારા યુસુફભાઇ કાપડીયાનું પણ સન્માન કરાયું હતું.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.