વર્ષના અંત સુધીમાં દાહોદનાં તમામ ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી મળતું થશે – કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી.
૭૩માં પ્રજાસત્તાક પર્વની દાહોદનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શાનદાર ઉજવણી કરાઇ.
દાહોદ : ૭૩માં પ્રજાસત્તાક દિનના મંગળ પ્રભાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ દાહોદનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિથી છલોછલ વાતાવરણમાં ગૌરવભેર ત્રિરંગો લહેરાવ્યો હતો. પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાનની સુમધુર ધુન વચ્ચે ઉપસ્થિત નાગરિકોએ ઉમંગ-ઉત્સાહ સાથે રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં સામેલ થઇને ત્રિરંગાને સલામી આપી હતી.
પ્રજાસત્તાક પર્વના પાવન દિવસે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આ વર્ષના અંત સુધીમાં દાહોદનાં તમામ ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશ વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે. વિશ્વભરમાં ભારત વિકાસકાર્યો થકી નવા કીર્તિમાન સ્થાપી રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યશસ્વી નેતૃત્વમાં વિકાસના નવા સીમાચિહ્નો પાર કરી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે, વિશ્વ આખું કોરોનાનો મોટા પડકારનો સામનો કરી રહ્યું છે ત્યારે દેશમાં પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ૧૫૦ કરોડથી પણ વધુ કોરોના વેક્સિનેશન ડોઝ આપવાનો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા પણ કોરોના વેક્સિનેશન ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે અને ૪.૩૬ કરોડથી પણ વધુ નાગરિકોને વેક્સિનના બંને ડોઝ મળી ચૂક્યા છે. દાહોદ જિલ્લામાં વેક્સિનેશન અભિયાનને સો ટકા સફળતા મળી છે અને તમામ લાયક નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ મળી ગયો છે. જયારે ૯૮ ટકા જેટલા નાગરિકોએ વેક્સિનનો બીજો ડોઝ મેળવ્યો છે.
કલેક્ટર ડો. ગોસાવીએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની વિગતે વાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા કૃષિ, આરોગ્ય, માળખાગત સુવિધાઓ, ઉદ્યોગો, ગામડાઓમાં પાયાની સુવિધાઓ, મહિલા અને બાળ વિકાસ તેમજ વિવિધ યોજનાઓમાં મેળવેલી સિદ્ધિઓ વિશે જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય વિકાસની તેજ રફતારે આગળ વધી રહ્યાનું તેઓએ જણાવ્યું હતું.
પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર તેમજ પરેડ કમાંન્ડન્ટ સિદ્ધાંત કોરકુંડેના નેતૃત્વમાં ૮ જેટલી પ્લાટુનના પોલીસ જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. નાગરિકોએ હર્ષનાદથી પોલીસ જવાનોની શિસ્તબધ્ધતાને વધાવી લીધી હતી. પોલીસ બેન્ડની રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત સુમધુર સુરાવલીઓથી વાતાવરણ દેશભક્તિના ઉમંગથી છલકાયું હતું.
આ પ્રસંગે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લા આયોજન અધિકારી ગેલાતને રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લાના વિકાસ કાર્યો માટે આપ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કરૂણા અભિયાન અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરનારા કર્મયોગીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓનું પ્રશસ્તિ પત્ર આપી સન્માન કર્યું હતું. જેમાં નાયબ પશુપાલન નિયામક ડો. કે.એલ. ગોસાઇ સહિતના અધિકારીઓ-કર્મચારીઓનું પણ સન્માન કરાયું હતું.
આ પ્રસંગે આરોગ્ય વિભાગના કર્મયોગીઓનું પણ સન્માન કરાયું હતું. આયુષ્માન ભારત યોજના અંતર્ગત સારી કામગીરી કરનારા સરકારી તેમજ ખાનગી હોસ્પીટલો સહિતના ડોક્ટરોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી સ્થળે કોરોના વોરીયર્સને પ્રિકોશન ડોઝ અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરાયું હતું.
પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં સાંસદ જસંવતસિંહ ભાભોર,લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, મદદનીશ પોલીસ અધિક્ષક વિજયસિંગ સહિતના જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર, નાયબ વનસંરક્ષક પરમાર, અગ્રણી સુધીર સહિતના મહાનુભાવો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.