લોકોથી, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી ગરીમાપૂર્ણ શાસન વ્યવસ્થાથી લોકશાહી ગૌરવવંતી બની છે – જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી
• પ્રશંસનીય પોલીસ સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી પામેલા સિદ્ધપુર નાયબ પોલીસ અધિક્ષક ચંદ્રસિંહ સોલંકીનું પ્રશસ્તિપત્ર અર્પણ કરી વિશિષ્ટ સન્માન
• શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા
• કોરોના વાયરસ મહામારી દરમ્યાન ઉત્તમ કામગીરી કરનાર ફ્રન્ટલાઈન વોરિયર્સને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા
દેશના ૭૩મા પ્રજાસત્તાક દિનની પાટણની જિલ્લા કક્ષાની ઉજવણીમાં પાટણના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. વિશ્વની સૌથી મોટી લોકશાહીના આ ગૌરવપર્વ નિમિત્તે આઝાદી સંગ્રામમાં પોતાના જીવનનું બલિદાન આપનાર અનેક ક્રાંતિવીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કરી જિલ્લા કલેક્ટરએ જિલ્લાના તમામ નાગરીકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
પ્રજાજોગ ઉદબોધન કરતાં જિલ્લા કલેક્ટર સુપ્રીત સિઁઘ ગુલાટીએ જણાવ્યું કે, બંધારણના અમલથી દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાની તક અને હક મળ્યા છે. લોકોથી, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી ગરીમાપૂર્ણ શાસન વ્યવસ્થાથી લોકશાહી ગૌરવવંતી બની છે.
પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે વાત કરતાં જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, કોવિડની ત્રીજી લહેર દરમ્યાન નાગરિકોની આરોગ્ય સુખાકારી જળવાઈ રહે તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અસરદાર આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના નાગરિકોને ઝડપથી અને નિઃશુલ્ક ટેસ્ટીંગની સુવિધા મળી રહે અને સ્થળ પર જ પ્રાથમિક સારવાર ઉપલબ્ધ થાય તે માટે ૩૯ ધન્વંતરી રથ અને ૧૩ જનતા ક્લિનિક શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ સઘન સારવાર માટે જરૂરી આઈ.સી.યુ., ઓક્સિજન બેડ તથા ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવ્યા છે.
સાત પગલા ખેડૂત કલ્યાણના જેવી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ થકી કૃષિ, બાગાયત અને પશુપાલન ક્ષેત્રે પાટણ જિલ્લાના વિકાસની આંકડાકીય રૂપરેખા આપી જિલ્લા કલેક્ટરએ ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા સહિતની વિગતો રજૂ કરી હતી. દરેક ઘરમાં નળથી જળ ધરાવતો પાટણ ગુજરાતનો સાતમો જિલ્લો બન્યો છે તેમ જણાવી પાણી પુરવઠા વિભાગના આગામી આયોજન અંગેનો ચિતાર પણ જિલ્લા કલેક્ટરએ રજૂ કર્યો હતો. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૧૫.૧૯ કરોડના મકાનોના કામો તથા રૂ.૧૮૮.૬૨ કરોડના રસ્તાના કામો પૂર્ણ કરી જિલ્લાની આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, જિલ્લાના અંતરિયાળ વિસ્તારો સુધી શિક્ષણનું સાર્વત્રિકરણ થાય તે માટે નવીન શાળાઓના બાંધકામ અને કર્તવ્યબદ્ધ શિક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણને વધુ સુલભ બનાવવા આર.ટી.આઈ. હેઠળ ૪,૮૬૧ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. સાથે જ નવી શિક્ષણનીતિના ભાગરૂપે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેનો અભ્યાસક્રમ મારી વિકાસ યાત્રા, રમતગમત તેમજ ડીઝીટલ કેલેન્ડર દ્વારા થીમ આધારે આંગણવાડી બહેનો દ્વારા બાળકોને પ્રિ-સ્કુલ એજ્યુકેશન અપાશે.
સાચુ ભારત ગામડામાં વસે છે પૂજ્ય મહાત્મા ગાંધીના આ શબ્દોને યાદ કરી જિલ્લા કલેક્ટરએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા શૌચલાય બાંધકામ માટે સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના, સખી મંડળોને રિવોલ્વિંગ ફંડ સહિતની યોજનાઓની સિદ્ધિ તથા રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવેલ સહાયની વિગતો રજૂ કરી હતી.
કોરોના વાયરસ મહામારી સામે લડત આપવા કોરોના પ્રતિરોધક રસીકરણ કરાવનાર તમામ નાગરિકોને અભિનંદન પાઠવી જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ કોવિડ સામે રક્ષણ મેળવવા માસ્કના ફરજીયાત ઉપયોગ, સામાજીક અંતરના પાલન અને સમયસર રસીકરણ કરાવવા જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી.
જિલ્લા કલેક્ટર દ્વારા પ્રશંસનીય પોલીસ સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી પામેલા સિદ્ધપુર નાયબ પોલીસ અધિક્ષક ચંદ્રસિંહ સોલંકીનું પ્રશસ્તિપત્ર અર્પણ કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સમાજ સુરક્ષા વિભાગ, આરોગ્ય વિભાગ, નગરપાલિકા, વન વિભાગ તથા પોલીસ વિભાગમાં પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ-કર્મચારીઓને જિલ્લા કલેક્ટર દ્વારા પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે પરેડ કમાન્ડર રાઘવ જૈનને પરેડના નેતૃત્વ બદલ પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું.
હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના વાયરસ પ્રતિરોધક રસીકરણના પ્રિકોશન ડોઝ માટેની મેગા ડ્રાઈવને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવી હતી. પરેડ ગ્રાઉન્ડ ખાતે આરોગ્યકર્મીઓ દ્વારા હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી સહિતના અધિકારીઓ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અધિક નિવાસી કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, મદદનીશ કલેક્ટર સચિનકુમાર સહિતના અધિકારીગણ, કર્મચારીગણ, શાળાના આચાર્યો-શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજ વંદન, પોલીસ જવાનો દ્વારા હર્ષધ્વની અને રાષ્ટ્રગાન દ્વારા ઉપસ્થિત સૌએ લોકશાહીના આ મહાપર્વને ઉજાગર કર્યો હતો.