કલેકટરની સુચના આધારે ખોરાક અને ઔષધ નિયમન ની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી ખાધતેલના નમૂના લીધા…
તપાસ ટીમ દ્વારા રૂ.3,60,825 નો મુદામાલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી…
મંગળવારની રાત્રે શરૂ થયેલી આ તપાસ કામગીરી બુધવારની વહેલી સવાર સુધી ચાલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું…
પાટણ શહેર નાં છિડીયા દરવાજા બહાર આવેલ બહુચર ટ્રેડિંગ નામની દુકાન માંથી પાટણ ખોરાક અને ઔષધ નિયમન કચેરી નાં અધિકારી સહિત ની ટીમ દ્વારા મંગળવારે રાત્રે ઓચિંતી તપાસ હાથ ધરી શંકાસ્પદ ખાદ્યતેલનાં નમુના લઇ જથ્થા ને સિઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરમાં કેટલાક વેપારીઓ દ્વારા ખાદ્યતેલમાં ભેળસેળ કરાતી હોવાની બૂમરાડ ઉઠવા પામી છે. ત્યારે મંગળવારના રોજ મોડી સાંજે જિલ્લા કલેકટરને ખાનગી રાહે હકીકત મળી હતી કે પાટણ શહેરના છીડીયા દરવાજા બહાર આવેલ બહુચર ટ્રેડીંગ નામની દુકાનના માલિક દ્વારા પોતાની દુકાનની અંદર તેમજ દુકાન ની પાછળ આવેલ પોતાના ઘરમાં ખાદ્યતેલમાં ભેળસેળ કરવામાં આવી રહી છે.
જે હકીકત નાં આધારે જિલ્લા કલેકટર દ્વારા પાટણ ખોરાક અને ઔષધ નિયમન કચેરીના અધિકારીને ઉપરોક્ત બાબતે અવગત કરી સ્થળ પર તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા સુચિત કરાતા પાટણ ખોરાક અને ઔષધ નિયમન કચેરી નાં અધિકારી વિપૂલભાઈ ચૌધરી અને તેમની ટીમે મંગળવારે રાત્રે જ સ્થળ પર પહોંચી મોદી કૃણાલ ક્રિષ્નાલાલ નામના વેપારીની બહુચર ટ્રેડિંગ નામની દુકાનમાં તેમજ દુકાન ની પાછળ ના તેઓના મકાનમાં ઓચિંતી તપાસ હાથ ધરી દુકાન અને મકાનમાં રાખવામાં આવેલ છુટક કપાસીયા તેલ,ગુલાબ રિફાઈન્ડ માંથી કપાસીયા તેલ,અખરોટ નુ છુટક તેલ,ગુલાબ ગ્રાઉન્ડ અખરોટ નુ તેલ, ફોરચ્યુન સોયાબીન તેલ, ગોકુલ ડબલ ફિલ્ટર કરેલ તેલ,કામદા શુધ્ધ માંથી સોયાબીન તેલના ડબ્બા માંથી જરૂરી સેમ્પલ લઇ ઉપરોક્ત ખાદ્યતેલ કુલ 1724 કિ.ગ્રા.કિ.રૂ.3,60,825 નાં જથ્થા ને સિઝ કરી તેલનાં સેમ્પલ ને તપાસ માટે સરકારી લેબ માં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી.
પાટણ શહેર નાં છીડીયા દરવાજા વિસ્તારમાં આવેલી મોદી કૃણાલ ક્રિષ્નાલાલ ની બહુચર ટ્રેડિંગ નામની દુકાન અને ધર ઉપર મંગળવારની રાત્રે પાટણ ખોરાક અને ઔષધ નિયમન કચેરી નાં અધિકારી વિપૂલભાઈ ચૌધરી સહિત ની ટીમના એમ એમ પટેલ,એચ બી ગુજ્જર અને યુ એચ રાવલ દ્વારા હાથ ધરવામાં આવેલ ઓચિંતી તપાસ ને લઈને વેપારી અને તેનાં પરિવાર સહિત નાં સગા સંબંધીઓમાં સનસનાટી મચી જવા પામી હતી.
અને તપાસને રોકવા અનેક પ્રયુકિત અજમાવી હતી પરંતુ લોકો નાં આરોગ્ય સાથે ચેડા કરનાર આવા તત્વો ને નસિયત કરવા પાટણના ખોરાક અને ઔષધ નિયમન કચેરી નાં અધિકારી સહિત ની ટીમ દ્વારા તટસ્થ રહીને પોતાની ફરજ બજાવી હતી. શહેરના છિડીયા દરવાજા બહાર આવેલ બહુચર ટ્રેડિંગ નામની દુકાન અને વેપારીનાં મકાનમાં પાટણ ખોરાક અને ઔષધ નિયમન કચેરી નાં અધિકારી સહિત ની ટીમ દ્વારા ખાદ્યતેલમાં ભેળસેળ મામલે ઓચિંતી હાથ ધરવામાં આવેલ કાયૅવાહી ને લઈને લોકો નાં ટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા હતાં.