આ વર્ષે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી છે જેને લઈને છેલ્લા 27 વર્ષથી ગુજરાતની સત્તા પર બિજારમાન ભાજપને પછાડવા માટે આમ આદમી પાર્ટી હવે મેદાનમાં પડી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે છે. અહીં તેમણે આજે ગુજરાતની જનતા માટે કેટલીક મોટી જાહેરાતો કરી. જેમાંની એક જાહેરાત વીજળી અંગે કરી. કેજરીવાલે ગુજરાતની જનતાને જો ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતે અને તેમની સરકાર બને તો 3 મહિનામાં 300 યુનિટ ફ્રી વીજળી આપવાની ગેરંટી આપી.
અરવિંદ કેજરીવાલે સુરત ખાતે એક પત્રકાર પરિષદ કરી જેમાં કહ્યું કે ગુજરાતની જનતા બદલાવ ઈચ્છે છે. છેલ્લા 27 વર્ષથી એક જ પાર્ટીએ રાજ કર્યું છે. એટલે અહંકાર આવી જાય છે. બધાને ડરાવી રાખ્યા છે. તેમણે ક્હ્યું કે મોંઘવારી વધી રહી છે. વીજળીના ભાવ પણ વધી રહ્યા છે. પંજાબમાં અમે વીજળી ફ્રી કરી. ગુજરાતમાં પણ વીજળી ફ્રી કરાશે. અમને રાજનીતિ કરતા આવડતું નથી. અમારી પાર્ટી ઈમાનદારોની પાર્ટી છે.
3 મહિનામાં 300 યુનિટ ફ્રી
અરવિંદ કેજરીવાલે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં જો અમારી પાર્ટી જીતે અને રાજ્યમાં અમારી સરકાર આવી તો 3 મહિનામાં 300 યુનિટ ફ્રી કરવામાં આવશે. દિલ્હી અને પંજાબમાં મળે તો ગુજરાતમાં પણ વીજળી ફ્રી મળશે. 24 કલાક વીજળી મળશે. પાવર કટ નહીં થાય. આ જાદુ કરવાનું ઉપરવાળાએ મને જ આપ્યું છે. બીજા કોઈને આ જાદુ આવડતો નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે 31 ડિસેમ્બર પહેલા તમામ ડોમેસ્ટિક ખર્ચ માફ કરવામાં આવશે. 31 ડિસેમ્બર 2021 પહેલાના બિલ પણ માફ કરાશે.