જેતપુરની કુંભાણી મ્યુનિ ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષકો પોતાની ગરીમા ભૂલ્યા હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થિનીઓ સાથે અભદ્ર વર્તન કરવાનો શિક્ષકો પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આથી, વિદ્યાર્થિનીઓ અને વાલીઓએ સ્કૂલમાં જઇને ભારે હોબાળો મચાવ્યો. વાલીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.
વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરાતા વાલીઓ દ્વારા શાળામાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. મહત્વનું છે કે, શિક્ષકોના અભદ્ર વર્તનને લઇને વિદ્યાર્થિનીઓએ અનેક વખત આચાર્યને ફરિયાદ પણ કરી હોવાનું કહેવાય છે. તેમ છતાં અનેક ફરિયાદ બાદ પણ શિક્ષક વિરુદ્ધ કોઇ પણ પ્રકારની કાર્યવાહી નથી કરાઇ. આ ઘટનાને લઇને ઉગ્ર રોષે ભરાયેલા વાલીઓ, વિદ્યાર્થીનીઓ અને ABVPના કાર્યકર્તાઓ જ્યારે ગર્લ્સ હાઇસ્કૂલ પહોંચ્યા હતા ત્યારે તેઓએ આવાં શિક્ષકો વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરવાની પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી પરંતુ પ્રિન્સિપાલે આ ઘટનાને લઇને નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘આ ઘટના અંગે મને વિદ્યાર્થીનીઓએ કોઇ પણ જાતની રજૂઆત નથી કરી.’ આથી વાલીઓ અને વિદ્યાર્થીનીઓમાં આ બાબતે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.
આથી, વિદ્યાર્થીનીઓ અને ABVP દ્વારા આ મામલે રેલી કાઢવામાં આવી. હતી ત્યારે પોલીસે 5 ABVPના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. તદુપરાંત વાલીઓએ આ મામલે શિક્ષકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે તેમજ ન.પાલિકામાં આવેદન પત્ર પણ પાઠવ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, પોલીસ અને ન.પાલિકા આ મામલે શું કાર્યવાહી કરે છે.
લોક મુખે ચર્ચા થઇ રહી છે કે, સમાજમાં જ્યારે આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે અનેક પ્રકારના સવાલો મનમાં ઉદભવતા હોય છે. જેમ કે, શિક્ષકો આખરે કેમ પોતાની મર્યાદા ભૂલી જાય છે? જો દીકરીઓ સાથે આવું વર્તન થશે, તો દીકરીઓ અભ્યાસ કેવી રીતે કરશે? વિદ્યાર્થિની સાથે અભદ્ર વર્તન કરનારા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી ક્યારે કરાશે? આવાં શિક્ષકોને સસ્પેન્ડ કેમ નથી કરાતા? આખરે ક્યારે આવા લંપટ શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી થશે?
જોકે, આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે. કારણ કે તાજેતરમાં જ સ્કૂલના શિક્ષક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓ સાથે ABVP નાં કાર્યકર્તાઓ પણ રેલીનાં સમર્થનમાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે, રેલી દરમિયાન ABVPના પાંચ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.