Patan Honeytrap : પાટણ શહેરની ચાણસ્મા-હારીજ ત્રણ રસ્તા, સુદામા ચોકડી પાસે આવેલી એક હોટલમાંથી તા. 3જી સપ્ટેમ્બરની રાત્રે મુળ પાટણનાં અને હાલ અમદાવાદ રહેતા કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા એક યુવાનને હનીટ્રેપમાં ફસાવી તેની સામે બળાત્કારનો ખોટો કેસ કરવાની ધમકી આપીને રૂા.10 લાખની માંગણી કરવાનાં આરોપસર પાટણ બી-ડીવીઝન પોલીસે પકડેલી ત્રણ મહિલાઓને પાટણની ચીફ જયુડીસીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરીને પાંચ દિવસનાં રિમાન્ડની માંગણી કરતાં મેજિસ્ટ્રેટ એ.એસ. ગોહેલે ત્રણેય મહિલાઓને તા. 8-9-2023 સુધીનાં રિમાન્ડ મંજુર કરીને તેઓને પોલીસ કસ્ટડીમાં સોંપ્યા હતા.

પોલીસ રજુ કરેલી રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ આ હનીટ્રેપનું કાવત્રુ ક્યાં રચ્યું હતું ? અને તેમાં કોની હાજરી હતી ? આ લોકોનાં અન્યો કોઇ ભોગ બનેલા છે કે કેમ ? જો ભોગ બનેલા હોય તો તે કોણકોણ છે ? તે ભોગ બનેલાઓનાં નિવેદનો લેવા જરુરી છે, આ લોકોએ અન્ય આવા કોઇ ગુના આચરેલા છે કેકેમ ? તેમાં તેમણે કેટલા રુપિયાનો તોડ કરેલ છે ને તેમાંથી તેઓએ કોઇ મિલકત વસાવી છે તેની તપાસ કરવાની છે.

આરોપીઓને સાથે સી.ડી.આર. એનાલીસીસ કરવાનું હોવાથી, અન્ય કેટલા ઇસમો સંડોવાયેલા છે ? સહિતના મુદ્દાઓ રજુ કર્યા હતા તથા ગુજરાત સિવાય અન્ય કોઇ રાજ્યમાં આવા ગુના આચર્યા હોવાની શંકા હોવાથી તેમની પુછપરછ તથા આગળની કાર્યવાહી કરવાની હોવાથી રિમાન્ડ માંગતા કોર્ટે તા.8-9-23 સુધીનાં રીમાન્ડ મંજુર કર્યા હતા. આ બનાવની અન્ય એક આરોપીએ બિમારીની સારવાર બાબતે કોર્ટમાં જાણકારી આપતાં તેની મેડીકલ તપાસ કરાવીને પછી રિમાન્ડમાં લઇ જવા કોર્ટે જણાવ્યું હતું. પોલીસે આ ત્રણેય મહિલાઓ પાસેથી છ મોબાઇલ તપાસ માટે કબજે લીધા હતા.

શું બની હતી ઘટના

ત્રણેય યુવતીઓ પૈકી બે યુવતીઓ વર્ષા અને રાધિકા બિલ્ડર પાસેથી રુપિયા પડાવવા માટે પૂર્વ આયોજીત કાવત્રુ રચીને બિલ્ડર સાથે મિત્રતા કરીને પોતાને જમીન બાબતની વાતચીત કરવાનું કહી તા. 3-9- 23નાં રોજ રાત્રે સવા નવ વાગે પાટણની સુદામા ચોકડી પરની એક હોટેલમાં વર્ષા રાધિકા સાથે આવીને પોતે અરજન્ટ કામ હોવાનું કહી બહાર નિકળી તેની સાથેની અન્ય એક યુવતી વંદનાને પત્રકાર તરીકે બિલ્ડરનાં રુમમાં મોકલીને રાધિકા ઉર્ફે મનિષા નામની યુવતી પાસે બિલ્ડરને ખોટો બળાત્કારનાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેની પાસેથી રૂા.10 લાખની માંગણી કરી હતી. તેવો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે.

આ અંગે બિલ્ડરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ તેમના મિત્રો સાથે ગઇ તા.02/09/2023 ના રોજ અમદાવાદથી પાટણ ખાતે એક બેસણામાં આવ્યા હતા. તેમણે પાટણ ચાણસ્મા હાઈવે રોડ ઉપર આવેલી એક હોટલમાં રૂમ દિવસ માટે બુક કરાવ્યો હતો. જેમા તા.02/09/2023 ના રોજ તેમના મિત્રો સાથે રોકાયા હતા. અને બીજા દિવસે ગઈ તા.03/09/2023ના રોજ તેઓ બપોરના કલાક-15-30 વાગેના સુમારે હોટલના રૂમમાં હાજર હતા. ત્યારે તે વખતે બિલ્ડરે વર્ષા સાથે ફોન પર વાત થતાં તેને અમદાવાદમાં કોઇ જમીન બાબતે વાતચીત કરવી હોવાથી અને હાલ પોતે પાટણ તેની મિત્ર રાધિકા ઉર્ફે મનિષા સાથે આવેલી હોવાનુ જણાવતા તેમણે બંને યુવતીને મળવા હોટલ ઉપર બોલાવતા આ બને યુવતી હોટલે આવી હતી.

દરમિયાન રાધિકા ઉર્ફે મનિષાને અમદાવાદની જમીન બાબતે વાતચીત કરવી છે તેવુ કહીને તે બિલ્ડરના રૂમમાં તેની સાથે રોકાવવાનુ કહી વર્ષા તેમને અરજન્ટ કામ આવ્યુ છે, તેમ કહી નિકળી ગઇ હતી. તે પછી બિલ્ડર રાધિકા નામની યુવતી સાથે વાતચીત કરતા હતો તે વખતે રાત્રે આશરે સાડા અગીયાર વાગેના સુમારે તેમના રૂમનો દરવાજો કોઈએ ખખડાવતા બિલ્ડરે રૂમનો દરવાજો ખોલતા એક અન્ય યુવતી સીધી રૂમમાં અંદર આવી ગઈ હતી. અને તેને પોતાની ઓળખાણ પત્રકાર વંદના હોવાનુ જણાવી બિલ્ડરને કહેલું કે, “આ રાધિકા તેના બહેનની દીકરી છે જે ઘરેથી નાસીને આવી છે. તુ કેમ તેને રૂમમાં લઈને પડ્યો છે.’” જેથી બિલ્ડરે વંદનાને કહેલું કે, “હું તેને લઈને આવ્યો નથી પણ તે વર્ષા પટેલ સાથે એક કલાક પહેલા આવી છે.

તેવી વાત કરતા આ વંદનાએ તેમને કહેલું કે, હું આ રાધિકા જોડે તારી ઉપર રેપનો કેસ કરાવુ છુ ‘ જેથી બિલ્ડરે આવુ કરવાની ના પાડતા વંદનાએ કહેલું કે, “જો તારે બળાત્કારના કેસમાં ફસાવુ ન હોય તો રૂપિયા 10 લાખ આપવા પડશે” તેવી માંગણી કરતા બિલ્ડરે પોતાની પાસે આટલા બધા રૂપિયા ન હોવાનુ જણાવતા વંદનાએ ફોન કરી પોલીસને જાણ કરવાનુ કહેતા બિલ્ડરે સવાર સુધીમાં રૂપિયાની સગવડ કરી આપવાનું કહ્યું હતું.

આ દરમિયાન પોલીસ આવી જતા તેની પુછપરછ કરી હતી. જેમાં બિલ્ડર સાથે રૂમમાંથી મળી આવેલી યુવતી રાધિકા તથા જેને બિલ્ડરની રૂમ ઉપર મુકી જનાર વર્ષા અને પાછળથી બિલ્ડરની રૂમ ઉપર આવેલી વંદનાને આ વર્ષાએ બિલ્ડર પટેલ પાસેથી રૂપિયા પડાવવા મોકલેલ હોવાનુ પોલીસની હાજરીમાં તેઓની પુછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024