Patan Honeytrap Case : પાટણ શહેરમાં શનિવારે ત્રણ મહિલાઓ દ્વારા પૂર્વ આયોજિત કાવતરું કરી અમદાવાદ (Ahmedabad) કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા યુવાન નિસર્ગ નીતિનભાઈ પટેલ રહે. પાટણને ફસાવી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.10 લાખ ખંખેરી લેવા ષડયંત્ર કર્યું હતું. આ મામલામાં બે શખ્સો ભાવેશ રમેશભાઈ પટેલ (ઉ.વ.33)રહે.દેવ આશિષ સોસાયટી હંસપુરા નરોડા, અમદાવાદ અને કિશોરસિંહ છત્રસિંહ ઝાલા (ઉ.વ.38) રહે. વજાપુર તા.તલોદ જી. સાબરકાંઠાને પાટણમાંથી ઝડપાઈ ગયા હતા. તેઓને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા પણ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા.
પાટણ બી ડિવિઝન પોલીસ મથકના તપાસ અધિકારી પીએસઆઈ એ.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે ત્રણ મહિલા પૈકી મુખ્ય રોલમાં વર્ષાબેન અને એમનો જમાઈ ભાવેશ છે. ડિગ્રી વગરના પત્રકાર વંદનાની સાથે આવેલ કિશોરસિંહ છેતરપિંડી જમીન પચાવી પાડવા જેવા ગુનાઓમાં સંડોવાયેલ છે.
જ્યારે રાધિકા ગાંધીનગર જિલ્લાના સાતેજ પોલીસ મથકે ત્રણ મહિના અગાઉ એક બિલ્ડર્સ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પકડાયેલ આરોપી કિશોરસિંહ સાબરકાંઠા જિલ્લામાં ભાજપનો કાર્યકર્તા હોવાનું જાણવા મળ્યું છે.
શું બની હતી ઘટના
ત્રણેય યુવતીઓ પૈકી બે યુવતીઓ વર્ષા અને રાધિકા બિલ્ડર પાસેથી રુપિયા પડાવવા માટે પૂર્વ આયોજીત કાવત્રુ રચીને બિલ્ડર સાથે મિત્રતા કરીને પોતાને જમીન બાબતની વાતચીત કરવાનું કહી તા. 3-9- 23નાં રોજ રાત્રે સવા નવ વાગે પાટણની સુદામા ચોકડી પરની એક હોટેલમાં વર્ષા રાધિકા સાથે આવીને પોતે અરજન્ટ કામ હોવાનું કહી બહાર નિકળી તેની સાથેની અન્ય એક યુવતી વંદનાને પત્રકાર તરીકે બિલ્ડરનાં રુમમાં મોકલીને રાધિકા ઉર્ફે મનિષા નામની યુવતી પાસે બિલ્ડરને ખોટો બળાત્કારનાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેની પાસેથી રૂા.10 લાખની માંગણી કરી હતી. તેવો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે.
આ અંગે બિલ્ડરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ તેમના મિત્રો સાથે ગઇ તા.02/09/2023 ના રોજ અમદાવાદથી પાટણ ખાતે એક બેસણામાં આવ્યા હતા. તેમણે પાટણ ચાણસ્મા હાઈવે રોડ ઉપર આવેલી એક હોટલમાં રૂમ દિવસ માટે બુક કરાવ્યો હતો. જેમા તા.02/09/2023 ના રોજ તેમના મિત્રો સાથે રોકાયા હતા. અને બીજા દિવસે ગઈ તા.03/09/2023ના રોજ તેઓ બપોરના કલાક-15-30 વાગેના સુમારે હોટલના રૂમમાં હાજર હતા. ત્યારે તે વખતે બિલ્ડરે વર્ષા સાથે ફોન પર વાત થતાં તેને અમદાવાદમાં કોઇ જમીન બાબતે વાતચીત કરવી હોવાથી અને હાલ પોતે પાટણ તેની મિત્ર રાધિકા ઉર્ફે મનિષા સાથે આવેલી હોવાનુ જણાવતા તેમણે બંને યુવતીને મળવા હોટલ ઉપર બોલાવતા આ બને યુવતી હોટલે આવી હતી.
દરમિયાન રાધિકા ઉર્ફે મનિષાને અમદાવાદની જમીન બાબતે વાતચીત કરવી છે તેવુ કહીને તે બિલ્ડરના રૂમમાં તેની સાથે રોકાવવાનુ કહી વર્ષા તેમને અરજન્ટ કામ આવ્યુ છે, તેમ કહી નિકળી ગઇ હતી. તે પછી બિલ્ડર રાધિકા નામની યુવતી સાથે વાતચીત કરતા હતો તે વખતે રાત્રે આશરે સાડા અગીયાર વાગેના સુમારે તેમના રૂમનો દરવાજો કોઈએ ખખડાવતા બિલ્ડરે રૂમનો દરવાજો ખોલતા એક અન્ય યુવતી સીધી રૂમમાં અંદર આવી ગઈ હતી. અને તેને પોતાની ઓળખાણ પત્રકાર વંદના હોવાનુ જણાવી બિલ્ડરને કહેલું કે, “આ રાધિકા તેના બહેનની દીકરી છે જે ઘરેથી નાસીને આવી છે. તુ કેમ તેને રૂમમાં લઈને પડ્યો છે.’” જેથી બિલ્ડરે વંદનાને કહેલું કે, “હું તેને લઈને આવ્યો નથી પણ તે વર્ષા પટેલ સાથે એક કલાક પહેલા આવી છે.
તેવી વાત કરતા આ વંદનાએ તેમને કહેલું કે, હું આ રાધિકા જોડે તારી ઉપર રેપનો કેસ કરાવુ છુ ‘ જેથી બિલ્ડરે આવુ કરવાની ના પાડતા વંદનાએ કહેલું કે, “જો તારે બળાત્કારના કેસમાં ફસાવુ ન હોય તો રૂપિયા 10 લાખ આપવા પડશે” તેવી માંગણી કરતા બિલ્ડરે પોતાની પાસે આટલા બધા રૂપિયા ન હોવાનુ જણાવતા વંદનાએ ફોન કરી પોલીસને જાણ કરવાનુ કહેતા બિલ્ડરે સવાર સુધીમાં રૂપિયાની સગવડ કરી આપવાનું કહ્યું હતું.